New Delhi,તા.08
ઈરાન-અમેરિકા વચ્ચે ખાડી યુદ્ધ અને હોર્મુઝ સંકટના કારણે અટકેલા ગેસ પુરવઠાને પગલે સરકારે ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નિયમો બદલી નાખ્યા હતા. સિલિન્ડરની કિંમતથી લઈને બુકિંગ સુધી અનેક ફેરફારો થયા હતા. હવે કેન્દ્ર સરકારે ફરી એકવાર LPG સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે સિલિન્ડર રિફિલિંગની મુદત ફરીથી 45 દિવસથી ઘટાડીને 25 દિવસ કરી દીધી છે.કેન્દ્ર સરકાર દ્વારા LPG રિફિલ બુકિંગનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર ગ્રામીણ વિસ્તારો માટે કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પ્રવાસન રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(OMCs)ને આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે શહેરોની જેમ ગામડાઓમાં પણ સિલિન્ડર રિફિલ બુકિંગની મુદત 25 દિવસની રહેશે. એટલે કે એક બુકિંગ પછી બીજી બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર હોવું જોઈએ.
ખાડી યુદ્ધના કારણે સરકારને ગામડાઓ માટે સિલિન્ડર રિફિલિંગની મુદત વધારીને 45 દિવસ કરવી પડી હતી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ બાદ LPG સપ્લાય પર દબાણ હતું. ધીમે ધીમે પુરવઠાની સ્થિતિ સુધર્યા બાદ સરકાર સામાન્ય જનતાને રાહત આપી રહી છે.ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર રહે છે. ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા હિસ્સો આયાત કરે છે. આયાત સંકટના કારણે ક્રૂડ કંપનીઓ દ્વારા સિલિન્ડરના ભાવ પણ વધારવામાં આવ્યા હતા અને બુકિંગના નિયમો પણ બદલવામાં આવ્યા હતા. જો કે, સ્થિતિ સુધારા પર આવ્યા બાદ છેલ્લા બે મહિનામાં બીજી વખત કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બરમાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમતમાં 9.50થી 11.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો. આ પહેલા ઑગસ્ટમાં 192 રૂપિયાથી લઈને 209 રૂપિયા સુધી અને જુલાઈમાં 183 રૂપિયા ભાવ ઘટાડવામાં આવ્યા હતા.

