Gandhinagar, તા.8
ગુજરાત વિધાનસભાના આવતીકાલથી શરૂ થતાં ત્રણ દિવસના ટુંકાસત્રમાં ભરચક્ક કામગીરી નિર્ધારિત કરવામાં આવી છે. વ્યાપાર-ઉદ્યોગ માટે વ્યવસાય સરળ બનાવવા તથા વિવિધ ગૂંચવણો દૂર કરવા માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશરૂપે ખાસ વિધેયક દાખલ કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે જુદા-જુદા પાંચ કાયદાને એક જ વિધેયકમાં આવરી લેવાયા છે. તેમાં વેપાર ધંધા 24 કલાક ખુલ્લા રાખવા, સરળ રજીસ્ટ્રેશન, બીજા રાજ્યોમાં નોંધાયેલા તબીબોની સરળ નોંધણી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકાર વિધાનસભાનાં આગામી ચોમાસૂ સત્ર દરમિયાન ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ બિલ, 2026’ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં નિયમો અને કાયદાકીય પ્રક્રિયાઓને સરળ બનાવવાનો, વ્યાપારીઓ પર કમ્પ્લાયન્સનું ભારણ ઘટાડવાનો અને જાહેર સેવાઓની ડિલિવરીમાં સુધારો લાવવાનો છે.
આ નવા બિલ હેઠળ એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનાથી રાજ્યમાં તમામ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ (દુકાન-પ્રતિષ્ઠાનો) અઠવાડિયાનાં સાતેય દિવસ અને 24 કલાક ખુલ્લી રાખી શકાશે. જોકે, તેમાં કામ કરતાં કર્મચારીઓ માટે કામનાં કલાકો અને સુરક્ષા સંબંધિત હાલનાં કાયદાકીય નિયમો જળવાઈ રહેશે.
સરકારે અલગ-અલગ કાયદાઓમાં સુધારા કરવાનાં બદલે રાજ્યનાં પાંચ મુખ્ય કાયદાઓને એક જ સંયુક્ત બિલમાં આવરી લીધાં છે. જેમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ (1967), ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ (2013), ગુજરાત (રાઈટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ) એક્ટ (2013), ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ (2019), અને ગુજરાત એમએસએમઈ ફેસિલિટેશન એક્ટ (2019) નો સમાવેશ થાય છે.
આ પ્રસ્તાવિત ફેરફારોનો હેતુ જૂના થઈ ગયેલાં અને જટિલ નિયમોને દૂર કરવાનો છે, જેથી શાસન વ્યવસ્થા વધુ પારદર્શક, સરળ અને કાર્યક્ષમ બની શકે. આ સિવાય, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ ફરિયાદોના સમયબદ્ધ નિવારણ માટે એક નવી સિસ્ટમ પણ સૂચવવામાં આવી છે.
નવી વ્યવસ્થા મુજબ, જો કોઈ ગ્રીવન્સ રેડ્રેસલ ઓફિસર નિર્ધારિત સમયમાં ફરિયાદનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જશે, તો તે અરજી આપમેળે નિર્ધારિત અધિકારી સમક્ષ અપીલ તરીકે ટ્રાન્સફર થઈ જશે. આ નિર્ણયથી અસંતોષ હોય તેવા નાગરિકો 30 દિવસમાં આગળ અપીલ કરી શકશે. તેવી જ રીતે, ઉચ્ચ કક્ષાએ પણ સમયમર્યાદામાં નિર્ણય ન આવે તો અરજી સ્ટેટ એપેલેટ ઓથોરિટી પાસે પહોંચી જશે.
વ્યવસાયો અને દુકાનોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ અત્યંત સરળ બનાવવામાં આવી છે. નવા વ્યવસાયીઓને કામ શરૂ કર્યાના કે બિલ અમલમાં આવ્યાના 60 દિવસમાં નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે સેલ્ફ-ડિક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજો જ આપવાના રહેશે, જ્યારે જૂના રજીસ્ટ્રેશન તેમની મુદત પૂરી થાય ત્યાં સુધી માન્ય રહેશે.
આ બિલમાં તબીબો માટે પણ મોટી રાહત આપવામાં આવી છે. અન્ય રાજ્યોમાં નોંધાયેલા ડોક્ટરો ગુજરાતમાં કોઈ વધારાની ફી કે પૂર્વ મંજૂરી વિના માત્ર પોતાની ડિગ્રી/સર્ટિફિકેટ અને સ્વ-ઘોષણાપત્ર જમા કરાવીને સરળતાથી નોંધણી મેળવી શકશે. જો કોઈ સંજોગોમાં ડિગ્રી ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોય, તો ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમુખની મંજૂરીથી પણ નોંધણી શક્ય બનશે.

