Washington,તા.08
ટેક્સાસ (અમેરિકા) ના રસ્તાઓ પર હવે એવી ટેક્સી આવી ગઈ છે, જેમાં ન તો ડ્રાઇવર છે, ન સ્ટીયરિંગ અને ન તો બ્રેક કે એક્સિલેટર પેડલ. ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ ટેક્સાસની રાજધાની ઓસ્ટિનમાં પોતાની સાયબરકેબને રોબોટેક્સી સર્વિસમાં ઉતારી દીધી છે.
2 લોકોના બેસવાની ક્ષમતા ધરાવતી આ કારને માનવ મદદ વગર ચાલવા માટે બનાવવામાં આવી છે. આની પાછળ સૌથી મહત્વની ટેક્નોલોજી AI છે. કાર પોતાની આસપાસના રસ્તા અને ટ્રાફિકને જોઈને પોતે નક્કી કરે છે કે ક્યારે ચાલવું, ક્યાં વળવું અને ક્યારે રોકાવું.
સાયબરકેબમાં ડ્રાઇવરની જગ્યાએ AI નિર્ણયો લે છે. સામે કોઈ બીજી કાર આવી જાય, ટ્રાફિક સિગ્નલ હોય, ચોક આવે કે પાર્કિંગમાં ગાડી ઊભી રાખવાની હોય, આ પરિસ્થિતિઓને સમજવાની અને કાર ચલાવવાની જવાબદારી આના ઓટોનોમસ ડ્રાઇવિંગ સિસ્ટમની છે.
સાયબરકેબ કેમેરા વિઝન અને સેન્સરની મદદથી આસપાસની સ્થિતિ સમજે છે. આમાં જ હાઇ-ડેફિનેશન કેમેરા લાગેલા છે અને આનાથી મળતી તસવીરોને અઈં સિસ્ટમ સતત સમજે છે અને તેના આધારે ડ્રાઇવિંગ સંબંધિત નિર્ણયો પણ લે છે.
કારની અંદર પણ ટેક્નોલોજીનો અલગ અનુભવ
સાયબરકેબમાં માત્ર બે મુસાફરોના બેસવાની જગ્યા છે. વચ્ચે મોટી ટચસ્ક્રીન આપવામાં આવી છે. આના પર મ્યુઝિક અને અન્ય મનોરંજન ફીચર્સનો ઉપયોગ કરી શકાય છે. રોબોટેક્સી એપથી મુસાફર પોતાની પસંદગી મુજબ તાપમાન અને સીટની સેટિંગ બદલી શકે છે.
ખાસ વાત એ છે કે, આ સેટિંગ મુસાફરની પ્રોફાઇલમાં સેવ થઈ જાય છે અને આગામી મુસાફરીમાં પોતે જ ઉપલબ્ધ થઈ શકે છે. દરવાજા પણ પોતાની મેળે ખુલે છે અને બંધ થાય છે. તેમને એપ અથવા કારની સ્ક્રીનથી પણ કંટ્રોલ કરી શકાય છે.
AI કેટલું ભરોસાપાત્ર, રસ્તા પર થઈ રહી છે તપાસ
સાયબરકેબ કેટલી સુરક્ષિત છે કે નહીં, રસ્તા પર આની તપાસ પણ થઈ રહી છે. અમેરિકાની નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને તપાસ શરૂ કરી છે કે વિના સ્ટીયરિંગ, પેડલ અને સામાન્ય કાચ વગરની સાયબરકેબ અમેરિકી સુરક્ષા નિયમોનું પાલન કરે છે કે નહીં.
AI સામાન્ય ટ્રાફિકમાં કાર ચલાવી શકે છે, પરંતુ અચાનક સામે આવી ગયેલા રાહદારીઓ, ખરાબ હવામાન, ઓછું દેખાતા રસ્તા કે બીજી અસામાન્ય પરિસ્થિતિઓમાં તે કેટલી સુરક્ષિત રીતે નિર્ણય લે છે, આની પણ તપાસ થઈ રહી છે.
ખાસીયતો
♦ સ્ટીયરીંગ, બ્રેક પેડલ નહીં
કારમાં સ્ટીયરીંગ વ્હીલ અને બ્રેક પેડલ જ આપવામાં આવ્યાં નથી. એટલે કે ઇમરજન્સીમાં મુસાફર પોતે કારનો નિયંત્રણ લઈ શકતો નથી.
♦ કેવી દેખાય છે?
ઓસ્ટિન અને ટેક્સાસના રસ્તાઓ પર ઉતારવામાં આવેલી સાયબર કેબ ગોલ્ડન રંગની છે. આની ડિઝાઇન ભવિષ્યની કાર જેવી છે.
♦ તો પછી ચાલે છે કેવી રીતે?
ટેસ્લાનું સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમ મુખ્યત્વે કેમેરા પર નિર્ભર કરે છે. જ્યારે Waymo અને Zoox કેમેરા સાથે રડાર અને LiDAR જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે.

