Paris,તા.08
હાલ ફ્રાન્સના પાટનગર પેરીસમાં અક્ષર પુરુષોતમ બોચાસણવાસી સ્વામીનારાયણ પંથના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે એક વિવાદ પણ જોડાઈ ગયા છે. દેશભરમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી આ સંસ્થાના સેંકડો સાધુઓ આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે.
તેઓના પેરીસ દર્શનમાં વિખ્યાત એફીલ ટાવરની મુલાકાત સમયે ટાવર સંચાલન ટીમમાં જોડાયેલા મહિલા કર્મચારીઓને ફરજ પરથી થોડો સમય દુર રખાતા આ વિવાદ સર્જાયો હતો. શનિવારે સાધુઓનો સમૂહ એફીલ ટાવરની મુલાકાતે ગયા તે સમયે ડયુટી પરના મહિલા કર્મચારીઓને તેમની ડયુટી છોડવા અને સાધુઓ જયાં સુધી એફીલ ટાવર સંકુલમાં હોય ત્યાં સુધી ડયુટી પર નહી આવવા સૂચના અપાઈ હતી.
જેમના સ્થાને પુરુષ કર્મચારીઓને ડયુટી સોપાઈ હતી. જેની સામે સોમવારે જ એફીલ ટાવર કર્મચારી સંગઠને બેઠક કરી વિરોધ કર્યો તથા તેના કારણે એફીલ ટાવરમાં પ્રવાસીઓને માટે બાંધવામાં પણ થોડો વિલંબ થયો હતો.
અહી એક જાહેર નોટીસમાં સંચાલન સંબંધી કારણોથી એફીલ ટાવર વિલંબથી ખુલશે તેવુ જણાવી દેવાયુ હતું. જો કે બાદમાં એફીલ ટાવર સંચાલન કંપનીએ કર્મચારીઓની માફી માંગી હતી તથા ભવિષ્યમાં આવી ઘટના નહી બને તેવી ખાતરી અપાઈ હતી. સંચાલન કંપનીના નિર્ણયથી કર્મચારીઓનો ગુસ્સો, આક્રોશ જોતા પેરીસના મેયરે તપાસના આદેશ આપ્યા છે.
રવિવારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ સામેલ થયા હતા. માહિતી મુજબ સાધુઓનું મોટું પ્રતિનિધિમંડળ હોવાથી તેઓને પ્રવેશમાં પણ પ્રાથમીકતા અપાઈ હતી. જેના કારણે અન્ય સહેલાણીઓને પણ રાહ જોવી પડી હતી.
અમારો ઈરાદો કોઈને તકલીફ આપવાનો ન હતો : સંસ્થાની સ્પષ્ટતા
પેરીસઃ ફ્રાન્સમાં એફીલ ટાવર મુલાકાતમાં સર્જાયેલા વિવાદ અંગે બીએપીએસ સંસ્થાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તે આ અંગે ઉઠાવાયેલી તમામ ચિંતાઓનું સન્માન કરે છે તથા ગંભીરતાથી લે છે. સંસ્થાએ એફીલ ટાવરની આ મુલાકાત સંચાલકો સાથે મળીને નિશ્ચિત કરી હતી. તેનો હેતુ અન્ય પર્યટકોને ઓછામાં ઓછી પરેશાની થાય તે જોવાનો હતો.
અમારી જાણકારી મુજબ કોઈપણ સમયે કોઈને એફીલ ટાવરમાં પ્રવેશનો ઈન્કાર કરાયો નથી. અમોએ તમામ લોકોની દિલથી માંગીએ છીએ. જેઓને આ પરીસ્થિતિથી કોઈ તકલીફ પડી હોય અને સંગઠન પરસ્પરના સન્માન અને તમામની સેવા તથા સાર્વભૌમત્વ મૂલ્યો પ્રત્યે પ્રતિબંધ છે. જો કે સંસ્થાએ મહિલા કર્મચારી વિવાદ અંગે મૌન સેવ્યું છે.

