Rajkot તા.૧૦ઃ
શહેરમાં મિત્રતાના દાવે લીધેલી હાથ ઉછીની રકમ પરત કરવા આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. ૨ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.કેસની હકીકત મુજબ શહેરમા રહેતા
રવિન્દ્રકુમાર જીતેન્દ્રકુમાર શુકલ પાસેથી સાધુ વાસવાણી સ્કૂલ સામેના રોડ પર ડેકોરા ઉત્સવ,ફ્લેટ નં. એ-૮૦૨, રહેતા અને સાધુ વાસવાણી રોડ નક્ષત્ર, સનસિટી સામે, કોઈન્ટ્રેક ફોર્થ- એ-૭૦૩મા ઓફિસ ધરાવતા અમિત ધરમશીભાઈ સીતાપરાએ મિત્રતાના સંબંધના કારણે અંગત ઉપયોગ માટે નાણાની જરૂરિયાત હોવાનું જણાવી વગર વ્યાજે રૂ. ૨ લાખ લીધા હતા.ફરિયાદીએ રકમ પરત માંગતા આરોપીએ રૂ. ૨ લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ ચેક પોતાની બેંકમાં જમા કરાવતા તે ’ફંડસ ઇનસફિસિયન્ટ’ના શેરા સાથે પરત ફર્યો હતો. આ અંગે ફરિયાદી દ્વારા કાયદાકીય જોગવાઈ મુજબ લીગલ નોટિસ આપવામાં આવી હતી, જેનો આરોપીએ કોઈ જવાબ આપ્યો ન હતો.
આખરે ફરિયાદીએ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષ દ્વારા મૌખિક અને દસ્તાવેજી પુરાવા તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવા અને દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી અમિત સીતાપરાને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂ. ૨ લાખ એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ કામમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી રાજન ટી. જોલાપરા રોકાયા હતા.

