’ગણપતિ બાપ્પા મોરિયા’ ના નાદ અને ઢોલ-નગારાના તાલે બપ્પાની પ્રતિમાની સ્થાપના
Rajkot તા.૧૪ઃ
શહેર પોલીસ પણ ગણેશજીના રંગે રંગાઈ ગઈ છે. શહેરના પોલીસ હેડક્વાર્ટર, ક્રાઇમ બ્રાન્ચ કચેરી અને વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ ઉચ્ચ અધિકારીઓની કચેરીઓમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ’ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ અને ઢોલ-નગારાના તાલે બપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શહેરની સુરક્ષા કાજે સતત પ્રયત્નશીલ પોલીસ વિભાગના ગણપતિ મહોત્સવનું પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભાવભેર ઉજવણી શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ ડીસીબી કચેરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ સ્થાપનાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની અંદર ભવ્ય પંડાલ તૈયાર કરી વિઘ્નહર્તા દેવને બિરાજમાન કરાયા હતા. આ પ્રસંગે ડીસીપી જગદીશ બાંગરવાએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ગણેશજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. પોલીસે શહેરમાંથી ગુનાખોરીનું પ્રમાણ સાવ નહિવત થઈ જાય, નાગરિકો પોતે સુરક્ષિત અનુભવે અને પડતર તેમજ અટવાઈ પડેલા ગુનાઓનું ડિટેક્શન ઝડપથી વધે તેવી પ્રાર્થના પણ કરી હતી.
માત્ર ક્રાઈમ બ્રાન્ચ જ નહીં, પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તમામ મુખ્ય પોલીસ મથકોમાં પણ ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં જ્યાં ગુનાઓ, ફરિયાદો અને કાયદાકીય કામગીરીનો માહોલ હોય છે, તે પોલીસ સ્ટેશનો અત્યારે આરતીના સૂર અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા છે. પોલીસ કર્મચારીઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી, ઢોલ-નગારાના તાલે ઝૂમીને ગણેશજીની સવારી કાઢી હતી અને સ્ટેશન પરિસરમાં સ્થાપના કરી હતી.

