કર્મચારી સાથે માથાકૂટ કરી દસ મિનિટમાં તમારું મેડિકલ બંધ કરાવી દેવાની ધમકી આપી
સાગરીતો સાથે ધોકા સહિતના હથિયારો સાથે ધસી આવી ૧૩ કોમ્પ્યુટર, પાંચ સીસીટીવી કેમેરા, ટીવી, પ્રિન્ટરમાં તોડફોડ કરી રૂ. ૩.૨૫ લાખનું નુકસાન સર્જયું
Rajkot તા.૧૪ઃ
શહેરમાં વધુ એકવાર ખાખીના ખૌફ પર ગંભીર સવાલ ઉભા કરતો બનાવ સામે આવ્યો છે. રૈયા રોડ પર હનુમાનમઢી નજીક આવેલ નજીક દેવપુષ્પ મેડિકલ સ્ટોર ખાતે કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ ધોકા સહિતના હથિયારો સાથે ધસી જઈ ૧૩ કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી રૂ. ૩.૨૫ લાખનું નુકસાન કરી રીતસરનો ભયનો માહોલ ઉભો કર્યો હતો. વધુમાં ટોળકીએ મેડિકલ સ્ટોરના કર્મચારીને પણ ફટકાર્યો હતો. સાજીદ કચરા આણી ટોળકીએ મચાવેલા આતંક અંગેનો વિડીયો પણ સોશિયલ મીડીયામા વાયરલ થતાં પોલીસના કહેવાતા પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયાં છે.
રૈયા ગામમાં સવન સીમ્ફની એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી પ્રવીણભાઈ ધીરજલાલ ઉનડકટ (ઉ.વ.૪૭) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાજીદ કચરા અને તેની સાથેના પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ભાગીદાર પ્રજ્ઞેશભાઈ દ્વારકા દર્શન કરીને રાજકોટ પરત આવતા હતા. ત્યારે જામનગર પહોંચતા મેડિકલ સ્ટોરમાં કામ કરનાર રાજેશભાઈ નવલભાઇ સૂચકનો ફોન આવ્યો હતો કે, ૯૩૦ વાગ્યા આસપાસ સાજીદ કચરા નામનો વ્યક્તિ દવા લેવા માટે આવ્યો હતો. દરમિયાન તેને દવા આપતા હતા. તે સમયે બંધ કાઉન્ટર ઉપર એક બહેન ઉભા હોય જેથી રાજેશભાઈએ બહેનને કહ્યું હતું કે, બીજા કાઉન્ટર ઉપર આવી જાવ. જે સાંભળી સાજીદ કચરાને એમ થયું હતું કે, મને કહ્યું છે તેવું માની સ્ટાફ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી સ્ટાફે કહ્યું હતું કે તમને કહ્યું નથી, બાજુમાં ઉભેલા બહેનને બીજા કાઉન્ટર ઉપર દવા લેવા માટે બોલાવ્યા છે.
ત્યારબાદ સાજીદ વધુ ઉશકેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી કહેવા લાગ્યો હતો કે તમે મને ઓળખો છો, થોડીવાર રહો હું દસેક મિનિટમાં પરત આવું છું અને તમારું મેડિકલ બંધ કરાવું છું તેમ કહીને તે જતો રહ્યો હતો.થોડી જ વારમાં સાજીદ કચરા અન્ય પાંચ શખ્સો સાથે ધોકા સહિતના હથિયારો સાથે ધસી આવ્યો હતો અને મેડિકલ સ્ટોરમાં બેફામ તોડફોડ શરૂ કરી હતી. મેડિકલ સ્ટોરમાં રહેલ ૧૩ કોમ્પ્યુટર, ૫ સીસીટીવી કેમેરા, પ્રિન્ટર તથા ટીવીમાં ધોકાના ફટકારી તોડફોડ કરી હતી. એટલું જ નહીં મેડિકલ સ્ટોરના કર્મચારી રાજેશભાઈને ડાબા હાથ પર ધોકાનો ઘા ફટકારી દીધો હતો અને અન્ય કોઈ સ્ટાફના માણસોના હાથમાં ફોન જોવે તો તેને ફોન મૂકી દેવાનું કહેતા અને કોઈને ફોન કરવા દેતા ન હતા. જો કોઈએ ફોન કર્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ શખસોએ અહીં મેડિકલ સ્ટોરમાં બેફામ તોડફોડ કરી રૂપિયા ૩.૨૫ લાખનું નુકસાન કર્યું હતું અને કર્મચારીને ધોકાનો ઘા ફટકારી, જાનથી મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો.
સરાજાહેર બનેલી ગુંડાગીરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે બીજી તરફ ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. બનાવને લઈ વેપારીની ફરિયાદ પરથી પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળની ટીમે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

