લાઠી-દામનગર, બગસરા, સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા સુધી વરસાદી માહોલ
કુંકાવાવના બસસ્ટેન્ડમાં ગોઠણડૂબ પાણી ભરાતાં તંત્ર દોડતું થયું
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૦ઃ
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બગસરા, લાઠી, લીલીયા, બાબરા, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી વરસાદી પાણીના વહેણ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બગસરા શહેર ઉપરાંત ઘંટીયાળ અને માણેકવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરા પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. ઘોબા, પીપરડી, શેલણા અને મોટા ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાંથી પાણી વહેવા લાગ્યા હતા.
અમરેલી તાલુકાના ચિતલ તેમજ વડિયા તાલુકાના રામપુર-તોરી ગામમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. બાબરા પંથકના સુખપુર અને ખંભાળા ગામે વરસાદ પડ્યો હતો. ધારી અને ચલાલા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા તાલુકાના દાતરડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે જાફરાબાદના બાબરકોટ સહિતના ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
લાઠી શહેર અને દામનગર પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. લાઠી શહેરમાં ઘોઘમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. દામનગર, ઠાંસા, ધુફણીયા, કેરાળા અને દુધાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. દામનગર નજીકના મેમદા અને આંબરડી ગામમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
સાવરકુંડલા પંથકમાં સારા વરસાદથી કપાસ અને મગફળી સહિતના ખેતીપાકોને મોટો ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. લાઠી પંથકમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે.
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘોઘમાર વરસાદ શરૂ થયો હતો. નાના કણકોટ સહિતના ગામોમાં સારો વરસાદ પડ્યો હતો. અમરેલીના દેવભૂમિ દેવળીયા ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતા. ખેતરોના વોકળાઓમાં પાણીના વહેણ જોવા મળતાં ગ્રામ્ય પંથકમાં વરસાદના જીવંત દ્રશ્યો સામે આવ્યા હતા.
જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. જાફરાબાદ શહેરની બજારોમાં વરસાદી પાણી વહેવા લાગતાં રસ્તાઓ પર પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. કોસ્ટલ બેલ્ટમાં વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.
દરમિયાન કુંકાવાવ તાલુકામાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. કુંકાવાવ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને બસસ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણડૂબ જેટલું વરસાદી પાણી ભરાતાં લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડના કામ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાયાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કુંકાવાવના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેતરોના કાંઠે પાણી વહેવા લાગ્યા હતા. સમગ્ર અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન સહિતના વિવિધ ખેતીપાકો માટે હાલનો વરસાદ ફાયદાકારક બની રહેવાની આશા ખેડૂતોમાં જાગી છે

