પુસ્તકો, અખબારો અને અભ્યાસ સામગ્રી સાથે વાંચન સંસ્કૃતિને મળશે પ્રોત્સાહન,સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ અને વાંચન પ્રેમીઓ માટે બની રહેશે આશીર્વાદરૂપ સુવિધા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧ઃ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા, ગાંધીનગર દ્વારા શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર સાથે વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને લીલીયા તાલુકાના વિદ્યાર્થીઓ તથા યુવાનોને અભ્યાસ માટે સ્થાનિક કક્ષાએ જ સુવિધા ઉપલબ્ધ બને તે દિશામાં લીલીયા તાલુકાને એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. આ શરૂ કરવામાં આવેલા સરકારી તાલુકા ગ્રંથાલય, લીલીયાનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લીલીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો તેમજ વાંચનપ્રેમીઓ માટે આ ગ્રંથાલય જ્ઞાનપ્રાપ્તિનું નવું કેન્દ્ર બનશે. અત્યાર સુધી અભ્યાસ અને વાંચન માટે અન્ય સ્થળોનો સહારો લેવો પડતો હતો. હવે સ્થાનિક વિદ્યાર્થીઓને હવે પોતાના તાલુકામાં જ પુસ્તકો, દૈનિક અખબારો અને વિવિધ વિષયોની અભ્યાસસામગ્રીનો લાભ મળી શકશે.
ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે આ ગ્રંથાલય વિશેષ ઉપયોગી બની રહેશે. સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનોને શાંત અને અનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળશે.
વિવિધ વિષયોના પુસ્તકો અને અખબારોના નિયમિત વાંચનથી સામાન્ય જ્ઞાન વધારવા ઉપરાંત અભ્યાસની ક્ષમતા વિકસાવવામાં પણ મદદરૂપ બનશે. આજના ડિજિટલ યુગમાં વાંચનની ટેવ ધીમે ધીમે ઘટતી હોવાની ચિંતા વચ્ચે તાલુકા કક્ષાએ સરકારી ગ્રંથાલયની શરૂઆતને વિશેષ મહત્વની પહેલ માનવામાં આવી રહી છે. માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રહેતાં આ ગ્રંથાલય વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાયની ટેવ કેળવવા, યુવાનોમાં જ્ઞાનની ભૂખ જગાડવા અને નવી પેઢીને વાંચન તરફ વાળવા માટેનું માધ્યમ બની શકે છે.
આ લોકાર્પણ સમારોહમાં તાલુકા વિકાસ અધિકારી વિક્રમસિંહ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ધાનાણી, જિલ્લા પંચાયત સદસ્ય જીજ્ઞેશભાઈ સાવજ, ભાવનગર વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક ડૉ. આર.ડી. પરમાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રંથાલયની ઉપયોગિતા અંગે વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને નિયમિત વાંચન કરવાની અપીલ કરી હતી. ગ્રંથાલયમાં ઉપલબ્ધ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરીને શૈક્ષણિક પ્રગતિ અને કારકિર્દી ઘડતરમાં તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
લીલીયા તાલુકામાં સરકારી તાલુકા ગ્રંથાલયની શરૂઆત માત્ર એક નવી સુવિધાનો ઉમેરો નથી, પરંતુ સ્થાનિક સ્તરે શિક્ષણ, સ્વાધ્યાય અને જ્ઞાનના વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આવનારા સમયમાં આ ગ્રંથાલય સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાહિત્યપ્રેમીઓ માટે જ્ઞાનનું જીવંત કેન્દ્ર બને અને લીલીયા પંથકમાં વાંચન સંસ્કૃતિને નવી દિશા આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

