ગાંધીબાગથી નાગનાથ મંદિર સુધી ટ્રાફિકની સમસ્યા વકરી, અમરેલીમાં ફટાકડાની તંત્રની મંજૂરી સામે અનેક સવાલો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧ઃ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમરેલીમાં ફટાકડાના વેચાણ માટે આપવામાં આવેલી મંજૂરીઓ અને તેના અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં દર રવિવારે ભરાતી રવિવારી બજારના સ્થળે ફટાકડાના વેપારીઓએ કબજો જમાવી દીધો હોય, જેથી રવિવારી બજાર વાળાએ જાહેર રસ્તાઓ પર પાથરણાં પાથરી વેચાણ શરૂ કરતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા નિયમો અને વ્યવસ્થાની પૂરતી તકેદારી રાખ્યા વિના આડેધડ પરવાનાં આપવામાં આવ્યાં હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
Amreliના સરદાર સર્કલથી લઈ નાગનાથ મંદિર સુધીના માર્ગ પર દર રવિવારે ભરાતી રવિવારી બજારના સ્થળે ફટાકડાના વેપારીઓએ કબજો જમાવી દીધો હોય, જેથી રવિવારી બજાર વાળાએ જાહેર રસ્તાઓ પર પાથરણાં પાથરી વેચાણ શરૂ કરતાં આ માર્ગ ઉપર ફટાકડાના વેપારીઓ અને રવિવારી બજારના પાથરણાંના કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે. જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી લઈ રાજમહેલ સુધીનો અંદરના માર્ગ ઉપર પણ બજારનો વ્યાપ વિસ્તરતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની છે.
દિવાળીના તહેવારને કારણે બજારમાં ખરીદી માટે લોકોની ભારે અવરજવર છે. તેમાં જાહેર રસ્તાઓ પર પાથરણાં પાથરી દેવામાં આવતાં વાહનોની લાંબી કતારો અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. ખાસ કરીને ખરીદી માટે નીકળેલા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રસ્તા પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ ફટાકડાના વેચાણ માટે સુરક્ષા અને નિયમોના પાલનની વાત કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અમરેલી શહેરના તમામ જાહેર માર્ગો પર આડેધડ વેચાણ અને બજારના દબાણને કારણે ઊભી થયેલી સ્થિતિ તંત્રની વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે. પોલીસની હાજરી હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાતી ન હોવાની સ્થિતિમાં પોલીસ પણ મૂક પ્રેક્ષક બની રહી હોવાની લોકફરિયાદ ઊઠી છે.
હવે સવાલ એ છે કે ફટાકડાના વેચાણ માટે પરવાનાં આપતી વખતે સ્થળની પસંદગી, જાહેર માર્ગો પરની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા અને સુવિધા જાળવવાની જવાબદારી કોની? તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્? કરવામાં આવે તેવી શહેરીજનોમાં માગ ઊઠી છે.

