(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૩૧ઃ
દિવાળીના તહેવારોના માહોલ વચ્ચે Amreli જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાને કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે. બીજી તરફ, અમરેલી શહેરમાં પણ તહેવારની રાત્રે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા છે અને દિવાળીની રોશની વચ્ચે અંધારપટ છવાઈ ગયો છે.
મળતી વિગતો મુજબ, ખાંભા તાલુકાના ચકરાવા (સકરાવા) ગામે કમોસમી વરસાદ દરમિયાન આકાશી વીજળી ત્રાટકતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ખેતરમાં મજૂરી કામ કરી રહેલાં માધીબેન આતુભાઈ મકવાણા (ઉં.વ. ૪૬) પર અચાનક આકાશી વીજળી પડી હતી. વીજળી પડતાં જ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. તહેવારના દિવસે જ પરિવારના મોભીનું મોત થતાં કાળો કેર વર્તાયો છે.
અમરેલી શહેરમાં દિવાળીની રાત્રે આશરે ૯ વાગ્યાના સુમારે અચાનક જ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તહેવારની રાત્રે જ મેઘરાજાએ ’દે ધનાધન’ બેટિંગ શરૂ કરતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું હતું. અચાનક ત્રાટકેલા આ માવઠાને કારણે તહેવાર નિમિત્તે યોજાયેલી ફટાકડા બજારમાં અફરાતફરી મચી ગઈ હતી અને વેપારીઓમાં સોપો પડી ગયો હતો. લાખો રૂપિયાના ફટાકડાનો સ્ટોક પલળી જવાની ભીતિથી વેપારીઓ ચિંતામાં મુકાયા હતા.

