નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા વર્ષમાં કુલ ત્રણ વખત લેવામાં આવતી હોય છે
Gandhinagar, તા.૨૩
ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં Dropout rateનું પ્રમાણ હજુ પણ વધારે જોવા મળી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે પ્રથમવાર ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ અલગ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ખાસ બોર્ડ પરીક્ષા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એક્સટર્નલ તરીકે અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં લેવામાં આવશે. જોકે, હાલમાં પરીક્ષાની ચોક્કસ તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ વિશેની વિગતવાર પરીક્ષા કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.સરકાર દ્વારા ધોરણ ૮ પછી અને ધોરણ ૧૦ પછી રાજ્યમાં કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ તથા અભ્યાસથી વંચિત છે તે અંગેનો એક વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વે દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું હતું કે અનેક વિદ્યાર્થીઓ શાળાએ જ જતાં નથી અથવા તો પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો છે. આ કારણોસર સતત વધી રહેલા ડ્રોપઆઉટ રેટને નિયંત્રિત કરવા માટે સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે અલગથી આ ખાસ બોર્ડ પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે. સરકારની સત્તાવાર મંજૂરી બાદ આ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે.આ ખાસ બોર્ડ પરીક્ષામાં સામેલ થવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માંગતા હોય તેઓ આગામી ૧૦ ઓક્ટોબર સુધી ઓનલાઈન માધ્યમથી પોતાના ફોર્મ ભરી શકશે.મહત્ત્વની વાત એ છે કે નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા વર્ષમાં કુલ ત્રણ વખત લેવામાં આવતી હોય છે.
તેને અનુસરીને જ ગુજરાત શિક્ષણ બોર્ડે પણ સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વર્ષમાં બીજી વખત લેવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના પરિણામે, એક્સટર્નલ તરીકે અભ્યાસ કરવા ઈચ્છતા અને અગાઉના સમયમાં બોર્ડ પરીક્ષાથી વંચિત રહી ગયેલા તમામ વિદ્યાર્થીઓને હવે ફરી એકવાર બોર્ડ પરીક્ષા આપવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે.

