Surendranagar,તા.૨૪
શહેરની ફિરદોષ સોસાયટી વિસ્તારમાં સગીર મિત્ર માટે ચા ન મંગાવવા જેવી નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવાતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સામાન્ય બાબતમાં થયેલા આ લોહિયાળ ખેલને કારણે સ્થાનિકોમાં અસામાજિક તત્વો અને પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત મુજબ, ચાર માળિયા ક્વાર્ટરમાં રહેતો જાવેદ ઉંમરભાઈ પારેડી થોડા દિવસો અગાઉ તેના મિત્રો અને એક સગીર સાથે રાત્રિના સમયે ચા પીવા ગયો હતો. તે સમયે સગીર માટે ચા ન મંગાવતા આ બાબતનું મનદુઃખ રાખીને અદાવત રાખવામાં આવી હતી. ગત ૨૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે સગીરે જાવેદને ફોન કરી ચાર માળિયા પાસે આવેલી પાણીની ટાંકી નજીક મળવા બોલાવ્યો હતો, જ્યાં જાવેદ તેના મિત્ર સિકંદર સાથે પહોંચ્યો હતો.
જાવેદ ત્યાં પહોંચીને કંઈ સમજે તે પહેલાં જ ખૂન્નસમાં રહેલા સગીરે તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. ગળા અને માથાના ભાગે છરીના ગંભીર ઘા વાગતાં જાવેદ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો અને હુમલાખોર સગીર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક જાવેદને સ્કૂટર પર સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આશાસ્પદ કિશોરની ગંભીર હત્યાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો હોસ્પિટલ અને ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ આરોપી સગીર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ ઉપરાંત, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચાર માળિયા વિસ્તારમાં અગાઉ પણ લુખ્ખા અને અસામાજિક તત્વોનો ભારે ત્રાસ રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.
વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ, અહીં મોટાભાગે શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે અને અસામાજિક તત્વો અવારનવાર આવીને મહિલાઓની પણ હેરાનગતિ કરતા હોય છે. આ ઘટના બાદ સુરેન્દ્રનગરમાં ગુનેગારોમાંથી પોલીસનો ડર સાવ ઓગળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય તકરારમાં થયેલી આ ઘાતકી હત્યાથી શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

