New Delhi, તા.૨૫
તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવ્યો હતો. ૨૯૩માંથી ૨૦૭ બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસને માત્ર ૮૦ બેઠકો મળી હતી. આ અણધાર્યા Election પરિણામોને સ્વીકારવાનો પૂર્વ સીએમ મમતા બેનર્જીએ ઈનકા કરીને ભાજપ સામે આરોપો લગાવ્યા હતા.
આ ચૂંટણીમાં ભાજપે આવી સફળતા મેળવી તે માટે પાર્ટીએ છૂટા હાથે પૈસા વેર્યા હતા. ચૂંટણીપંચ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં આ ખુલાસો થયો હતો.ભાજપે બંગાળમાં કુલ ૨૮૬.૯૯ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યો હતો. એમાં પાર્ટીએ ૨૧૭.૧૬ કરોડ ખર્ચ્યા હતા ને ઉમેદવારોએ ૬૯.૮૩ કરોડનો ખર્ચ કર્યો હતો. પશ્ચિમ બંગાળ સહિત કુલ પાંચ રાજ્યોની ચૂંટણી થઈ હતી, જેમાં આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીનો સમાવેશ થતો હતો. એ તમામ રાજ્યોમાં મળીને ભાજપે કુલ ૫૨૯.૩૮ કરોડનો ખર્ચ કર્યો હતો.તેની સામે કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ૨૪૮ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં જે ખર્ચ કર્યો એનાથી વધુ ખર્ચ તો ભાજપે બંગાળમાં જ કરી નાખ્યો હતો. બંગાળમાં કોંગ્રેસે કુલ ૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
જેમાં ૧૨.૯૭ કરોડ પાર્ટીએ કર્યો હતો અને ૨૯.૧૨ કરોડ ઉમેદવારોએ ખર્ચ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો હતો તેની જાણકારી સામે આવી નથી. ડાબેરી પાર્ટી સીપીઆઈએમએ ૮.૨૩ કરોડ રૂપિયા ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ્યા હતા.કેરળમાં કોંગ્રેસે ભાજપથી વધારે ખર્ચ કર્યો હતો. કેરળમાં ભાજપે ૮૨ કરોડ ખર્ચી નાખ્યા હતા. તેની સામે કોંગ્રેસે ૧૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કેરળમાં સીપીએમની સરકાર હતી. સીપીએમે ૨૮ કરોડનો ખર્ચ કર્યો હતો. ભાજપે તમિલનાડુમાં ૯૬.૨૭ કરોડ, આસામમાં ૫૧ કરોડ, પુડુચેરીમાં ૧૧.૯૦ કરોડ ચૂંટણી કેમ્પેઈન પાછળ ફાળવ્યા હતા. આ ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે ભાજપને ૧૪૭૨ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું તો કોંગ્રેસને ૨૦૭ કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા.

