(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮ઃ
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂા.૧૫,૮૦૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા.
પોલીસની વિગતો મુજબ, તા.૨૭ સપ્ટેમ્બરના રોજ ગુલાબનગરમાં રામમંદિરથી આગળ સાંકડી શેરીમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સુનિલ કિશોરભાઈ રોલીયા (ઉ.વ.૩૦), ડાયાભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયા (ઉ.વ.૪૨), મહેશભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૪૭), વીમલ જીવાભાઈ મકવાણા (ઉ.વ.૩૨), નરશીભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૪૫), દિનેશભાઈ ભરતભાઈ પરમાર (ઉ.વ.૩૯) અને અજયભાઈ નારણભાઈ મકવાણા (ઉ.વ.૩૦) ઝડપાઈ ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી. કે. ગોહિલની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

