(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦ઃ
જામનગર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કાલાવડમાં એસઓજીની ટીમે દરોડો પાડી શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ઝડપી પાડી હતી. સ્થળ પરથી આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ ઉપરાંત ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.
એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ કાલાવડ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના તોષીફભાઈ તાયાણી, રમેશભાઈ ચાવડા અને ફિરોઝભાઈ ખફીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલાવડમાં શીતળા માતાજીના મંદિર પાસે કપુરીયાના કાંઠે આવેલા કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી તથા ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવતા એસઓજી દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારી સ્થળ પર પહોંચ્યા બાદ શંકાસ્પદ દૂધ તથા અન્ય સામગ્રીના જરૂરી નમૂના લઈ નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા પાવડરના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. સંબંધિત ધંધાર્થી સામે ખાદ્ય સલામતી અને ધોરણો અંગેના કાયદા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

