Mehsana, તા.૮
મહેસાણાનાં મહિલા વકીલને સાયબર ગઠિયાઓએ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવી દેવાનો ડર બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કરી આશરે રૂ.૫૭.૫૬ લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી મહિલાને માનસિક દબાણમાં રાખી જીવનભરની મૂડી, પીપીએફનાં નાણાં અને સોનાની લગડીઓ વેચાવી નાણાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. સમગ્ર મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા પેરેડાઈઝ બંગ્લોઝમાં રહેતાં ૬૪ વર્ષીય સવિતાબેન હિતેન્દ્રકુમાર પટેલ મહેસાણા કોર્ટમાં વકીલાત કરે છે. તેમના પતિનું વર્ષ ૨૦૨૧માં અવસાન થયેલું છે અને બંને સંતાનો ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા હોવાથી તેઓ અહીં એકલાં રહે છે. ગત ૨૦ સપ્ટેમ્બરના રોજ બપોરે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેવાળા શખ્સે પોતે ટેલિકોમ વિભાગ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વાત કરતો હોવાનું કહીં જણાવ્યું કે, નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં કેનેરા બેંકમાં રૂ.૨ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે, જેમાં તેમને રૂ.૨૦ લાખનું કમિશન મળ્યું છે. મહિલાએ આવું કોઈ ખાતું ન હોવાનું કહેવા છતાં બોગસ એટીએમ કાર્ડ અને એફઆઈઆરની નકલો મોકલી તપાસમાં સહકાર આપવા દબાણ કર્યું હતું.
ગઠિયાઓએ મહિલા એકલાં રહે છે તે જાણી લઈ ધરપકડનું ખોટું વોરંટ, સુપ્રીમ-હાઈકોર્ટ તથા સીબીઆઈના બોગસ પત્રો મોકલી ભયનો માહોલ ઊભો કર્યો હતો. સમગ્ર તપાસ ગુપ્ત રાખવાની ધમકી આપી દિવસ-રાત ઓડિયો અને વીડિયો કોલ ચાલુ રખાવી મહિલાને સતત નજરકેદ (ડિજિટલ એરેસ્ટ) હેઠળ રાખ્યા હતા. આ પછી ચલણી નોટોના નંબર તપાસવા પડશે, ઈન્વેસ્ટિગેશન બેન્કમાં તમારું ફંડ મોકલવું પડશે, ફંડ વેરિફિકેશન પૂરું થયા બાદ નાણાં પરત મળશે તેવા બહાને મહિલા પાસેથી વિવિધ બેન્કોમાં રહેલી રકમ એક ખાતામાં ભેગી કરાવી હતી. ઠગબાજોની સૂચના મુજબ મહિલાએ ડીસીબી બેન્ક અને ઈન્ડિયન બેન્કની રૂ.૮ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (હ્લડ્ઢ) તોડાવી હતી. ત્યારબાદ તા. ૨૨ સપ્ટેમ્બરે આરટીજીએસ મારફતે રૂ.૧૪.૬૨ લાખ ટ્રાન્સફર કર્યા હતા. એટલું જ નહીં, પોસ્ટ ઓફિસમાંથી પીપીએફ ખાતામાંથી રૂ.૮ લાખ ઉપડાવ્યા હતા.
ત્યારબાદ લોકરમાં પડેલા દાગીના ગળાવીને બનાવેલી સોનાની બે લગડીઓ (૧૦ અને ૫ તોલા) સોની વેપારી પાસે રૂ.૩૨.૫૦ લાખમાં વેચાવી તે રકમ પણ જમા કરાવી હતી. આમ, તા. ૨૫ સપ્ટેમ્બર સુધીમાં અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ રૂ.૫૭.૫૬ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.જો કે, વધુ નાણાંની માગણી થતાં સવિતાબેન અન્ય ઘરેણાં પણ જ્વેલર્સને વેચવા ગયાં ત્યારે જ્વેલર્સ સંચાલકની સતર્કતાથી તેમની સાથે ફ્રોડ થયું હોવાનું જણાયું હતું. જેથી મહિલાએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. જો કે, સામાજિક કારણોસર વિલંબ થયા પછી સવિતાબેને મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આંતરરાજ્ય સાયબર ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

