Mumbai, તા.૭
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન( નાસા)ના પ્રથમ Hubble Space Telescope (એચ.એસ.ટી.) ૨૦૨૬ની ૧૯, સપ્ટેમ્બરે પૃથ્વીની ૨,૦૦,૦૦૦ ( બે લાખ) પ્રદક્ષિણા પૂરી કરી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી અંતરિક્ષનાં રહસ્યો અને આશ્ચર્યોનો તાગ મેળવવામાં ઉજળી સફળતા મેળવી છે.નાસાએ ૧૯૯૦ની ૨૪, એપ્રિલે હબલ સ્પેસ ટેલિસ્કોપને પૃથ્વીથી ૪૮૩ કિલોમીટરના અંતરે તરતું મૂક્યું છે.
Hubble Space Telescope તરતું મૂકવાનો મૂળ હેતુ બ્રહ્માંડનો જે ગતિએ અને સતત વિસ્તાર થઇ રહ્યો છે તેનો ગહન અને સચોટ સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.ગેલેક્સીઝ એકબીજીથી દૂર દૂર જઇ રહી છે તેવું અદભુત સંશોધન (૧૯૨૦) કરનારા મહાન અમેરિકન ખગોળશાસ્ત્રી એડવીન હલબના સન્માનમાં નાસાએ આ ટેલિસ્કોપનું નામ હબલ સ્પેસ ટેલિસ્કોપ રાખ્યું છે.હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી બ્રહ્માંડની અતિ દૂરની ગેલેક્સીઝ (આકાશગંગા), નેબ્યુલા( નિહારીકા), સોલાર સિસ્ટમ્સ( સૌર મંડળ), એક્ઝો પ્લેનેટ્સ( આપણા સૂર્યમંડળ બહારના ગ્રહો)વગેરેની પણ યાદગાર શોધ કરી છે.નાસાનાં સૂત્રોાએ એવી માહિતી આપી છે હબલ સ્પેસ ટેલિસ્કોપ કે પૃથ્વીથી અતિ અતિ દૂરના અંતરના એક સુપરનોવા(આપણા સૂર્ય કરતાં પાંચ- છ ગણા મોટા તારાનું મૃત્યુ થાય ત્યારે થતી વિસ્ફોટની ઘટનાને ખગોળશાસ્ત્રની ભાષામાં સુપરનોવા કહેવાય છે) નું નિરીક્ષણ કરતું હતું તે દરમિયાન તેણે પૃથ્વીની ૨,૦૦ ,૦૦૦ પ્રદક્ષિણા પૂરી કરી છે.
બીજા શબ્દોમાં કહીએ તો ૧૯, સપ્ટેમ્બરે હબલ સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વી ફરતે આઠ અબજ કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ પણ પૂરો કર્યો છે.ગૌરવની બાબત તો એ છે કે હબલે તેની ૩૬ વર્ષની ઉજળી યાત્રા દરમિયાન અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં ૧૭ લાખ પ્રકારનાં વિવિધ નિરીક્ષણો પણ કરીને ખગોળવિશ્વને પૃથ્વીથી નજીકના તારાથી લઇને અતિ અતિ દૂરની આકાશગંગાઓની અદભુત ઇમેજીસ(છબી)ની ભેટ આપી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ હજી ૨૦૩૦ના અંત સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.હબલ સ્પેસ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ૨૭,૦૦૦ કિલોમીટર( પ્રતિ કલાક) ની અતિ તીવ્ર ગતિએ એક દિવસમાં પૃથ્વીની ૧૫ પ્રદક્ષિણા પૂરી કરે છે. હબલને પૃથ્વીનું એક ચક્કર પૂરું કરતાં ૯૦ મિનિટ થાય છે. આમ તો નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપને ૧૫ વર્ષ માટે જ કાર્યરત કર્યું હતું.
જોકે હબલે ૧૫ વર્ષની કામગીરી દરમિયાન પહેલી જ વખત બ્રહ્માંડનાં અજીબોગરીબ આશ્ચર્યોનો અને રહસ્યોનો તાગ મેળવ્યો. પરિણામે નાસા સહિત વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડ વિશે પહેલી જ વખત વિશિષ્ટ માહિતી મળી.ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટી.આઇ.એફ.આર.- મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્ર અને નાસા – ઇસરોના સહિયારા અનુરાધા પ્રોજેક્ટ(૧૯૮૫)ના વિજ્ઞાાની ડો. મયંક વાહિયાએ ગુજરાત સમાચારને કહ્યું હતું કે હબલ સ્પેસ ટેલિસ્કોપના સંશોધનથી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને પહેલી જ વખત બ્રહ્માંડનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો પહેલી જ વખત ખ્યાલ આવ્યો છે. આ દ્રષ્ટિએ હબલે ખગોળશાસ્ત્રીઓના અંતરિક્ષ વિશેના જ્ઞાાનનો એમ કહો કે ખજાનો આપ્યો છે.

