Islamabad, તા.૮
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને વાટાઘાટોનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ સંવાદ દ્વારા લાવવો જોઈએ. સાથે જ તેમણે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા સ્થાપિત પાર્ટીને ઇસ્લામાબાદ તરફની તેની લાંબી કૂચને રદ કરવા અપીલ કરી હતી. પીટીઆઇએ ખૈબર-પખ્તૂનખ્વાના લક્કી મારવત શહેરથી બે દિવસ પહેલાં ઇસ્લામાબાદ તરફ લોંગ માર્ચ શરૂ કરી હતી. આગામી દિવસોમાં રાજધાની પહોંચીને ધરણાં યોજવાનો અને ઇમરાન ખાનને મુક્ત કરાવવા સરકાર પર દબાણ લાવવાનો પાર્ટીનો હેતુ છે. શરીફે કહ્યું કે રાજકીય મુદ્દાઓનો વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો છતાં કમનસીબે ફરી એકવાર લોંગ માર્ચના “ભયાનક પડછાયા” દેખાઈ રહ્યા છે.ઇમરાન ખાનની પાર્ટીએ રાજકીય મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સતત બે દિવસ સરકાર તથા તેના સહયોગી અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરી હતી. શરીફે કહ્યું, “કમનસીબે, એવું થઈ શક્યું નહીં. તેમનો એકમાત્ર હેતુ એ હતો કે વાટાઘાટો સફળ ન થાય.”

