Ahmedabad,તા.૭
અમદાવાદના ગોતા વિસ્તારમાં માર્બલ અને સ્ટોનનો વ્યવસાય કરતા દંપતી સાથે તેમના જ કમિશન એજન્ટે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી જય કાર્તિકભાઈ રાવલે વેપારી દંપતીની કંપનીના નામ સાથે મળતું આવતું નામ ધરાવતી ડમી કંપની બનાવી હતી. ત્યારબાદ પોતે કંપનીનો ભાગીદાર હોવાનું જણાવી ગ્રાહક પાસેથી બાકી રહેલા ૪૭,૨૮,૫૯૬ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જગતપુરમાં રહેતા મેઘાબેન અને તેમના પતિ રાહુલ અગ્રવાલ ગોતામાં હિમાલયા ગ્રેનાઈટ નામથી માર્બલ અને સ્ટોનનો વ્યવસાય કરે છે. જાન્યુઆરી ૨૦૨૫માં તેમની મુલાકાત જય રાવલ સાથે થઈ હતી. જય રાવલે કમિશનના બદલામાં ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસેથી ટાઈલ્સ અને ગ્રેનાઈટના ઓર્ડર અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૬ સુધી હિમાલયા ગ્રેનાઈટ દ્વારા ડી.એન.એમ. ઇન્ટીરીયરને માલ સપ્લાય કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં જય રાવલને નક્કી કરેલું કમિશન પણ ચૂકવવામાં આવતું હતું.
દરમિયાન માર્ચ ૨૦૨૬માં મેઘાબેનની સાસુનું અવસાન થતાં દંપતી મરણવિધિ સહિતની કામગીરીમાં વ્યસ્ત હતું. ઓગસ્ટ ૨૦૨૬માં કંપનીના હિસાબો તપાસતાં ડી.એન.એમ. ઇન્ટીરીયર તરફથી મોટી રકમનું પેમેન્ટ બાકી હોવાનું ધ્યાનમાં આવ્યું. આથી રાહુલ અગ્રવાલે કંપનીના માલિક ધર્મેશભાઈનો સંપર્ક કરી ઉઘરાણી કરી હતી.
ત્યારે ધર્મેશભાઈએ ચોંકાવનારી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ૪૭,૨૮,૫૯૬ રૂપિયાનું પેમેન્ટ અગાઉ જ કરી દેવામાં આવ્યું છે. જય રાવલે પોતે હિમાલયા ગ્રેનાઈટનો ભાગીદાર હોવાનું કહીને નવું બેંક એકાઉન્ટ આપ્યું હતું અને તેમાં પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. આ વાત સામે આવ્યા બાદ રાહુલ અગ્રવાલે સ્પષ્ટતા કરી કે જય રાવલ તેમની કંપનીનો ભાગીદાર નહીં, પરંતુ માત્ર કમિશન એજન્ટ છે. ત્યારબાદ વોટ્સએપ સંદેશાઓ અને બેંકની વિગતો તપાસતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
પોલીસ ફરિયાદ મુજબ, જય રાવલે માત્ર ઉદ્યમ સર્ટિફિકેટના આધારે હિમાલયા ગ્રેનાઈટના નામ સાથે મળતી આવતી ડમી કંપની ઊભી કરી હતી અને આ કંપનીના નામે આઇડીબીઆઇ બેંકની ગોતા શાખામાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન ડી.એન.એમ. ઇન્ટીરીયર પાસેથી હિમાલયા ગ્રેનાઈટને મળવાપાત્ર કુલ ૪૭,૨૮,૫૯૬ રૂપિયા આ ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. મામલો સામે આવ્યા બાદ મેઘાબેન અને રાહુલ અગ્રવાલે જય કાર્તિકભાઈ રાવલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

