Mehsana, તા.૩૧
કડી તાલુકાના બાવલુ વિસ્તારમાંથી પોલીસે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતા સાયબર ફ્રોડ અને ગેરકાયદે ઓનલાઈન ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ગઠિયાઓએ અલગ અલગ લોકોના નામે બેંક ખાતાં ખોલાવી, તેમાં સાયબર ફ્રોડ તેમજ સટ્ટાબાજીના રૂ.૬,૧૫,૬૧,૨૦૮થી વધુની માતબર રકમ ટ્રાન્સફર કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલે બાવલુ પોલીસ સ્ટેશનમાં કુલ ૮ જેટલા મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાવલુ પોલીસ સ્ટેશનના હે.કો. રાજુજી સહિત સ્ટાફના માણસો મેડા આદરજ ગામ તરફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કલોલ તરફથી પૂરઝડપે એક એક્સેસ ટુ-વ્હીલર લઈને આવતા ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ઠાકોર વિપુલજી ઉર્ફે ભોણો શંભુજી ગાંડાજી (હાલ રહે.મેડા આદરજ, તા.કડી, મૂળ રહે.ઉવારસદ, તા.જિ.ગાંધીનગર)ની અંગઝડતી અને વાહનની ડેકી તપાસતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વાહનમાંથી અલગ અલગ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકોના અન્ય લોકોના નામના કુલ ૪૫ જેટલા એટીએમ ડેબિટ કાર્ડ, સિમકાર્ડ અને રોકડ વ્યવહાર સંબંધીત સાહિત્ય મળી આવ્યા હતા. એક્સેસ સહિત કુલ રૂ.૨૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની અટક કરી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં વિપુલજીએ જણાવ્યું કે, તેના ગામના ચંદ્રકાન્ત વિનુભાઈ મકવાણા અને જીતુભાઈ વિનુભાઈ મકવાણા (બંને હાલ રહે. દુબઈ) આ આખા નેટવર્કનું સંચાલન કરી રહ્યા છે. ચંદ્રકાન્ત અલગ અલગ બેંકોની નવી કીટો પાર્સલ દ્વારા મોકલતો હતો. આ કીટો મેડા આદરજના જ વતની અને કલોલ ખાતે રહેતા દરજી પાર્થકુમાર રમેશભાઈ અને તેમની પત્ની ફાલ્ગુનીબેન દરજીને પહોંચાડવામાં આવતી હતી.
આરોપીઓ એટીએમ કાર્ડ દ્વારા રોકડ ઉપાડી લેતા અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી વધુ રકમ એકઠી થાય ત્યારે આંગડિયા મારફતે નાણાં મોકલી આપતા હતા. આ કામ બદલ તેમને કમિશન પેટે રકમ ચૂકવવામાં આવતી હતી. વિપુલજીની કબૂલાતના આધારે પોલીસે કલોલના બોરીસણા રોડ પર આવેલા અભિષેક ગ્રીન ફ્લેટમાં પાર્થકુમાર દરજીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાંથી કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોની વિવિધ બેંકોની પાસબુકો, ચેકબુકો, અન્ય એટીએમ કાર્ડ તેમજ જિયો, એરટેલ અને વીઆઈ કંપનીના ૫૦થી વધુ સિમકાર્ડ તથા ખાલી કવરો મળી આવ્યા હતા. આ ઉપરાંત મોંઘા સ્માર્ટફોન પણ જપ્ત કરાયા હતા. પૂછપરછમાં બહાર આવ્યું કે, ફાલ્ગુનીબેન ઘરે બેસીને એપ્લિકેશન મારફતે દુબઈથી મળેલા પાસવર્ડ વડે આ બેનામી ટ્રાન્ઝેક્શન કરતા હતા.
પાછળથી આ મોબાઈલ થોળ ગામના રોબિન નામના શખ્સને સોંપવામાં આવ્યા હતા. તપાસમાં રૂ.૬,૧૫,૬૧,૨૦૮નાં ટ્રાન્ઝેક્શન તેમજ ૩૪ સાયબર ક્રાઈમની ફરિયાદો સાથે આ બેન્ક એકાઉન્ટ્સ સંકળાયેલાં હોવાનું પણ ખૂલ્યું છે. ખાતાધારકોની પૂછપરછ તપાસ દરમિયાન રાજકોટના હેવાંગ ગંગદેવ અને શુભમ નામના શખ્સો દ્વારા સામાન્ય નાગરિકોને લાલચ આપી બેંક ખાતાઓ ખોલાવી ભાડે મેળવવામાં આવ્યા હોવાની હકીકત પણ સામે આવી છે.

