Ahmedabad,તા.૧
ચોમાસાની વિદાય બાદ હવે ઠંડીની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન વિભાગે ચિંતા વધારનારી આગાહી કરી છે. ચક્રવાત અર્ણબના કારણે થયેલા મુશળધાર વરસાદને પગલે હાલમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ નવેમ્બર મહિનામાં આવું વાતાવરણ રહેવાની શક્યતા ઓછી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, નવેમ્બરમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ Temperature સામાન્ય કરતાં વધુ રહી શકે છે. એટલું જ નહીં, લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતાં વધારો થવાની શક્યતા છે. એટલે કે નવેમ્બર મહિનામાં પણ લોકોને ગરમીથી ખાસ રાહત મળે તેવી શક્યતા ઓછી છે.
હવામાન વિભાગે નવેમ્બર મહિનાની હવામાન આગાહી જાહેર કરી હતી. તેમાં જણાવ્યા મુજબ, હિમાલયની તળેટીના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડું ઓછું રહી શકે છે. બીજી તરફ, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં નીચે રહેવાની શક્યતા છે. જોકે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો ટ્રેન્ડ સામાન્ય કરતાં વધુ રહેવાનો અંદાજ છે.તાપમાનની સાથે વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે.આઇએમડી અનુસાર, નવેમ્બર મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના બાકીના ભાગોમાં વરસાદની અછત રહેવાની શક્યતા છે.
આ મહિના દરમિયાન સમગ્ર દેશમાં લાંબા ગાળાના સરેરાશ વરસાદના માત્ર ૭૭ ટકા જેટલો વરસાદ પડવાની ધારણા છે. વર્ષ ૧૯૭૧થી ૨૦૨૦ સુધીના હવામાનના આંકડાઓના આધારે નવેમ્બર મહિનામાં દેશભરમાં વરસાદનો લાંબા ગાળાનો સરેરાશ આશરે ૨૯.૭ મિમી નોંધાયો છે. તેની સરખામણીએ આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની આગાહી કરવામાં આવી છે.
નવેમ્બર મહિનામાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય મહત્તમ તાપમાન ૨૫થી ૩૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેતું હોય છે. જોકે, ભૌગોલિક સ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર જોવા મળે છે. ઉત્તર ભારતના દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે મહત્તમ તાપમાન ૨૭થી ૩૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં ગોવા, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં હવામાન તુલનાત્મક રીતે ગરમ રહે છે. અહીં મહત્તમ તાપમાન ૩૨થી ૩૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે પર્વતીય વિસ્તારોમાં કુપવાડા, લેહ અને શ્રીનગર જેવા સ્થળોએ તાપમાન સામાન્ય રીતે ૮થી ૨૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. મધ્ય અને પૂર્વ ભારતમાં પણ નવેમ્બર દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય રીતે ૨૮થી ૩૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાય છે.
નવેમ્બર મહિનામાં ગરમીનું પ્રમાણ વધવા પાછળ અલ નીનોની સ્થિતિ પણ એક મહત્વનું કારણ બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં હાલમાં ખૂબ જ મજબૂત અલ નીનોની સ્થિતિ જોવા મળી રહી છે. નવીનતમ આગાહીઓ પણ નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બનવાના સંકેત આપી રહી છે. અલ નીનો એક આબોહવા સંબંધિત ઘટના છે, જેની અસર વિશ્વભરના હવામાન પર પડે છે. સામાન્ય રીતે અલ નીનોની સ્થિતિને કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા રહે છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં નોંધાયેલી રેકોર્ડબ્રેક ગરમી પાછળ પણ મજબૂત અલ નીનો એક મુખ્ય કારણ હોઈ શકે છે તેમ આઇએમડીએ જણાવ્યું છે.
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં દેશમાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશનું માસિક સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષ ૧૯૦૧ પછીનું સૌથી વધુ તાપમાન છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં દેશનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૩૭ ડિગ્રી સેલ્સિયસ રહે છે. તેની સરખામણીએ આ વર્ષે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

