લીલીયાના ગુંદરણ ગામે તુફાન ગાડીમાં સૂતેલા સગીર સહિત બે પરપ્રાંતિય યુવકોને સળગાવી હત્યા કર્યાનો ચકચારી બનાવ
બે આરોપીઓને પોલીસે ઝડપી લીધાઃ લાઠીના ડીવાયએસપી વિસ્મય માનસેતાએ આપી માહિતી
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreliતા.૩ઃ
Amreli જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે માનવતાને હચમચાવી નાખતી બેવડી હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. આ બનાવમાં તુફાન ગાડીમાં ઊંઘી રહેલા એક સગીર સહિત બે પરપ્રાંતિય યુવકોને ગાડીમાં આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હોવાનો ગંભીર બનાવ બન્યો છે. જેમાં પ્રાથમિક વિગતો મુજબ, તુફાન ગાડીના બાકી હપ્તાની આશરે રૂપિયા ૬૦ હજારની લેતીદેતીના વિવાદમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હોવાનું લાઠીના ડીવાયએસપી વિસ્મય માંસેતાએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં આવેલી એક વાડીમાં મોડી રાત્રે તુફાન ગાડીમાં બે યુવકો સૂતા હતા. દરમિયાન ગાડીમાં આગ લાગતાં બંને યુવકો આગની લપેટમાં આવી ગયા હતા. જેમાં રવિ કમલેશ બધેલ નામનો સગીર અને નીતિન રામસિંગ નામના યુવકનો સમાવેશ થાય છે. ગાડીમાં આગ લાગ્યા બાદ ગાડીમાં સુતેલા સગીરના પિતા સહિતનાએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવકોના કરુણ મોત નીપજ્યાં હતાં.


મૃતક સગીર રવિના પિતા કમલેશ બધેલે આક્ષેપ કર્યો હતો કે, પૈસાની લેતીદેતીના વિવાદમાં તેમના પુત્ર સહિત બે યુવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. વિપેસિંગ નામના વ્યક્તિ પાસેથી આશરે રૂપિયા ૭૦ હજાર લેવાના બાકી હોવાના વિવાદમાં વિનુ નામનો શખ્સ આવ્યો હતો અને તેણે તુફાન ગાડીને આગ ચાંપી દીધી હોવાનો આક્ષેપ મૃતકના પિતાએ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં તુફાન ગાડીના આશરે રૂપિયા ૬૦ હજારના બાકી હપ્તાની લેતીદેતીનો મુદ્દો સામે આવ્યો હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.
બીજી તરફ, જે વાડીમાં આ ઘટના બની હતી તેના માલિકના ભત્રીજા રમેશ કાછડીયાએ પણ સમગ્ર ઘટના અંગે પોતાની વાત રજૂ કરી હતી અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. બનાવને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ચકચારી બનાવ અંગે લાઠીના ડીવાયએસપી વિસ્મય માંસેતાએ જણાવ્યું હતું કે, તુફાન ગાડીના આશરે રૂપિયા ૬૦ હજારના બાકી હપ્તાની લેતીદેતીના વિવાદમાં આ ઘટના બની હતી. આ કેસમાં આરોપી વિનેશ ઉર્ફે વિનોદ વરસંગ ડોડીયાર અને તેનો પિતરાઈ ભાઈ રાજુ ગોરધન ડોડીયાર નામના બે શખ્સોની સંડોવણી સામે આવી છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશના મહિન્દ્રા ગામના હોવાનું અને પોલીસે બંનેને ઝડપી લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુંદરણ ગામની સીમમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે. નાણાંકીય લેતી દેતીના વિવાદમાં બે જિંદગીઓનો કરુણ અંત આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ?આગ લગાડવા પાછળનું સમગ્ર કાવતરું શું હતું અને ઘટનાની ચોક્કસ હકીકત શું છે ? તે સહિતના મુદ્દાઓ પર તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

