Ayodhya,તા.૮
અયોધ્યામાં દિવાળીના પાવન અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે હનુમાનગઢી અને શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લઈને પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ સૌપ્રથમ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શન કરી વિધિ-વિધાનપૂર્વક પૂજા કરી હતી.
મુખ્યમંત્રી યોગીએ રામ મંદિર પરિસરમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે ભગવાન રામની આરતી ઉતારી, મંદિરની પરિક્રમા કરી અને રામ દરબારમાં પણ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ઉત્તર પ્રદેશના તમામ નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. મંદિરની બહાર નીકળતાં ભક્તોએ ’જય શ્રી રામ’ના નારાઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું, જેને મુખ્યમંત્રીએ હાથ હલાવીને સ્વીકાર્યું હતું.
અયોધ્યા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામઘાટ હોલ્ટ નજીક નિષાદ સમુદાયના લોકો સાથે દિવાળી મિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને મીઠાઈઓ તથા ભેટસોગાદોનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ અયોધ્યાની સુંદરતા અને સ્વચ્છતા જાળવવામાં નિષાદ સમુદાય, નાવિકો, માંઝીઓ અને સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમે આ ધામને સુંદરતા આપી છે.” તેમણે ઉમેર્યું હતું કે દીપોત્સવ જેવા વિશાળ આયોજનને સફળ બનાવવા માટે દરેક સમાજ અને વર્ગનું યોગદાન મહત્વપૂર્ણ છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી છતાં અયોધ્યાના ઘાટો અને રસ્તાઓ સ્વચ્છ રાખવા બદલ તેમણે સફાઈ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
નિષાદ સમુદાયના લોકોને સંબોધિત કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામભક્તોની આસ્થા અને અયોધ્યાની ધાર્મિક પરંપરાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે અયોધ્યામાં રામભક્તો પર ગોળીઓ ચલાવવામાં નહીં આવે અને ’જય શ્રી રામ’ના નારા લગાવનારાઓ સામે કોઈ લાઠી-ડંડાનો ઉપયોગ કરી શકશે નહીં.તેમણે અયોધ્યાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ પંચકોસી, ૧૪ કોસી અને ૮૪ કોસી પરિક્રમા જેવી પરંપરાગત ધાર્મિક યાત્રાઓ પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ તેવી વાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ અયોધ્યાની ગરિમા, પરંપરા અને ભવ્યતાને જાળવી રાખવા સૌને સહયોગ આપવા અપીલ કરી હતી.
આ વર્ષે અયોધ્યામાં દસમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરયૂ નદીના કિનારે અને રામ કી પૈડી સહિત વિવિધ ઘાટો પર લાખો દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. સમગ્ર અયોધ્યા દીવાઓની રોશનીથી ઝળહળી ઊઠી હતી. રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં પણ આશરે એક લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.દીપોત્સવ દરમિયાન ભવ્ય લેસર શો, ડ્રોન શો, પ્રોજેક્શન મેપિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૫ રાજ્યોના ૫૦૦થી વધુ કલાકારોએ પોતાની લોકસાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા કાર્યક્રમની શોભા વધારી હતી. આ ભવ્ય આયોજનમાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સમગ્ર આયોજનમાં સહયોગ આપનાર સંતો, સ્થાનિક નાગરિકો, સફાઈ કર્મચારીઓ, નાવિકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અયોધ્યાને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવાની જવાબદારી દરેક નાગરિકની છે. દિવાળીના પાવન અવસરે મુખ્યમંત્રીની આ ધાર્મિક મુલાકાત અને સ્થાનિક સમુદાય સાથેની મુલાકાતે અયોધ્યામાં ઉત્સવના માહોલને વધુ ભક્તિમય બનાવ્યો હતો. તેમણે સમગ્ર રાજ્યના નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આરોગ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

