Muzaffarnagar, તા.૯
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવારે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ફ્લાયઓવર પર પૂરપાટ ઝડપે જતી હ્યુન્ડાઈ ઓરા કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાયા બાદ વીજળીના થાંભલા સાથે ભટકાઈ હતી. આ ભીષણ ટક્કર બાદ કારમાં આગ લાગી જતાં તેમાં સવાર છ લોકોનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં.
પ્રાથમિક માહિતી અનુસાર, તિતાવી વિસ્તારના જાગાહેડી નજીક ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી કાર અચાનક ચાલકના કાબૂ બહાર ગઈ હતી. પહેલાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર થતાં તેમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક મળી નહોતી.
મુઝફ્ફરનગરના એસપી ગ્રામીણ અક્ષય સંજય મહાડિકના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં મૃતકો હરિયાણાના નારનૌલ નજીક આવેલા રાખીખાક ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મૃતકો વચ્ચેના કૌટુંબિક સંબંધોની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રાથમિક દૃષ્ટિએ તમામ લોકો એકબીજાના મિત્રો હોવાનું જણાઈ રહ્યું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ કારમાં ફસાયેલા છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આગને કારણે મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
મૃતકોમાં કારચાલક ઉપરાંત આશરે ૧૦થી ૧૨ વર્ષનું બાળક પણ સામેલ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ, તેમની વચ્ચેના સંબંધો અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. કાર કયા સંજોગોમાં બેકાબૂ બની અને અકસ્માત બાદ આગ કઈ રીતે લાગી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

