Bhopal, તા.૯
મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં પતિ-પત્ની વચ્ચેના વિવાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની પોતાના પિતરાઈ ભાઈ સાથે હસીને વાતચીત અને મજાક-મસ્તી કરી રહી હતી ત્યારે ત્યાં પહોંચેલા પતિએ બંનેને સાથે જોઈને ગુસ્સે ભરાઈ ઝઘડો શરૂ કર્યો હતો. વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલી ગર્ભવતી પત્નીને પણ પેટના ભાગે ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભીંડ જિલ્લાના લહર વિભાગના રાવતપુરા પોલીસ મથક હેઠળના ચિરાવલી ગામમાં શનિવારે રાત્રે આશરે ૧૦ વાગ્યે આ ઘટના બની હતી. ગામના રહેવાસી રવિ રજકનો પિતરાઈ ભાઈ હેમલતા સાથે પરિવારના ઘરમાં જ હળવી મજાક-મસ્તીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. તે સમયે હેમલતા રસોઈ બનાવી રહી હતી. દરમિયાન તેનો પતિ વિવેક રજક ત્યાં આવી પહોંચ્યો હતો. પત્નીને પિતરાઈ ભાઈ સાથે હસતી-બોલતી જોઈ વિવેક ગુસ્સે ભરાયો હતો અને પત્ની સાથે બોલાચાલી શરૂ કરી હતી.
આ સમયે રવિ રજકે વાંધો ઉઠાવતાં વિવેકે તેની સાથે ઝઘડો શરૂ કરી હુમલો કર્યો હતો. બંને વચ્ચેની તકરાર ઉગ્ર બનતાં હેમલતા વચ્ચે પડી હતી. જોકે, ઝઘડો અટકાવવાના પ્રયાસ દરમિયાન તેને પેટના ભાગે ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે મહિલા ગર્ભવતી હોવાથી પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.
ઘટના બાદ બંને પક્ષના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે જાણ કરી હતી. રાવતપુરા પોલીસ મથકના પ્રભારી પરશુરામ અહિરવારના જણાવ્યા મુજબ, પરિવારના સભ્યો એક જ ઘરમાં રહે છે અને સામાન્ય બાબતે વિવાદ થયો હતો. મહિલાના પતિ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

