(મિલન જોશી દ્વારા)
Junagadh તા ૧૪
જુનાગઢ જિલ્લાનાકેશોદ તાલુકાના પાણખાણ ગામની વાડી વિસ્તારમાં રહેતી મંજુલાબેન જાદવભાઇ ચુડાસમા (ઉ.વ.૫૩) ને ઘરકામ બાબતે પોતાની પુત્રવધુ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાબતે લાગી આવતા મંજુલાબેન એ પોતાના ઘરે જાતે એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાહેરાત જાદવભાઇ ચુડાસમા દ્વારા પોલીસમાં કરવામાં આવતા કેશોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોરવાડ કુવામાં ડૂબી જવાથી ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાનામાળીયા હાટીના તાલુકાના ચોરવાડ ખરા વિસ્તારમાં શીમ શાળાની વાડી બાજુમાં રહેતા રામાભાઇ ઉર્ફે રામજીભાઇ રાજાભાઈ ચુડાસમા (ઉ.વ.૬૩) પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન ખેતરમાં આવેલા કુવા પાસે તેમનો પગ લપસી જતાં તેઓ અકસ્માતે પાણીના કુવામાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
જૂનાગઢમાં ગોડાઉનમાં દિવાળીની મોસમમાં ખાતર પડ્યું
જુનાગઢના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા હરેશભાઇ ચંદુલાલ સુખવાણી (ઉ.વ.૫૯) નામના ફરિયાદીના માલિકીના ગોડાઉનની બારી તોડીને કોઈ અજાણ્યા ચોર ઇસમે ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. આ ચોરે ગોડાઉનમાંથી રિલાયન્સ ગેસના બાટલા, કોલ્ડ રૂમના રેડિયેટર, કમ્પ્રેસર અને ડીપ ફ્રીઝની કોપર પાઈપો સહિત કુલ રૂ. ૬૬,૦૦ ની માલમત્તાની ચોરી કરી ગુનો આચર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ઝાલા દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પિતાની બેદરકારીથી મીની ટ્રકમાં માસુમ દિકરી કચડાઈ ગઈ
જુનાગઢ જીઆઈડીસી-૨ ખાતે આવેલા કે.જી.એન. પ્લાસ્ટિકના કારખાનામાં મિની ટ્રકના ચાલક રંજીતકુમાર દિનેશભાઇ સાહ (રહે. બિહાર) એ પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવીને પોતાની સગી નાની દીકરી નંદની (ઉ.વ.૦૩) ઉપર ટાયર ચઢાવી દેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાતા આ ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. બાલાસરા ચલાવી રહ્યા છે.
અંગત અદાવતમાં બે સગા ભાઈઓએ પાડોશીને માર માર્યો
જૂનાગઢના મેમણવાડા બદામવાળી મસ્જિદની સામે આવેલ ખત્રીના ડેલા પાસે રહેતા આરોપી સોયેબ (ઉ.વ.૩૧) તથા તેના બે ભાઈઓએ એક સંપ થઈને ફરિયાદી સયદ રફીક હુસેનને ઢીકાપાટોનો મૂઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા, પોલીસે આ ગુના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાડી માલિક સાથે ઝઘડો કરી યુવાને આપી ખૂનની ધમકી
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઘોડાસણ ગામની વાડી વિસ્તારમાં આરોપી પીયુષભાઇ વજુભાઇ જંજવાડીયાએ ફરિયાદી જાગાભાઇ સવજીભાઇ લુણારી (ઉ.વ.૫૦) ની વાડીએ જઈને તેમને ફાવે તેમ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુના અંગે વિસાવદર પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી, વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ પીને ડમ ડમ થઈ મોટર ચલાવતા યુવકનો પોલીસે ઉતાર્યો નશો
ભેસાણ રફાળીયા રોડ પાણીના ટાંકા પાસે આરોપી વિપુલભાઇ કાનજીભાઇ હિરપરા (ઉ.વ.૪૦, રહે. સુખપુર) પોતાની હ્યુંડાઇ કાર કોઈપણ પાસ પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપાઈ ગયો હતો. આ મામલે પોલીસે આરોપી યુવક સામે ગુનો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

