New Delhi, તા, 20
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન `અકવાન’ આજે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ગોપાલપુર નજીક ટકરાયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, લેન્ડફોલની પ્રક્રિયા સવારે 7ઃ30 થી 8ઃ30 વાગ્યાની વચ્ચે શરૂ થઈ હતી અને તે આગામી બેથી ત્રણ કલાક સુધી ચાલવાની શક્યતા છે.
દરિયાકાંઠે ટકરાતા પહેલાં આ વાવાઝોડું `તીવ્ર ચક્રવાતી તોફાન’માંથી નબળું પડીને `ચક્રવાતી તોફાન’માં ફેરવાઈ ગયું હતું, તેમ છતાં લેન્ડફોલ દરમિયાન 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેની ગતિ 90 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
વાવાઝોડાની અસરને પગલે ઓડિશાના ગોપાલપુરમાં 166 મિલીમીટર જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ભુવનેશ્વર સહિતનાં વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ (શૂન્ય જાનહાનિ) ના લક્ષ્ય સાથે ઓડિશા સરકારે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડીને 2,523 રાહત શિબિરોમાં આશરો આપ્યો છે, જેમાં એકલા ગંજામ જિલ્લામાંથી જ 1.38 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
રાહત અને બચાવ કામગીરી માટે ઓડ્રાફ (ODRAF) ની 60, એનડીઆરએફની 14 અને ફાયર સર્વિસની ટીમો સહિત કુલ 423 રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે, તેમજ દક્ષિણના જિલ્લાઓમાં 941 ભૂસ્ખલન સંભવિત સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
સાવચેતીના ભાગરૂપે ઈસ્ટ કોસ્ટ રેલવે અને સાઉથ ઈસ્ટર્ન રેલવે દ્વારા 65 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને 29 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.
આ ઉપરાંત, પુરી, ગોપાલપુર અને ચિલ્કાના દરિયાકિનારા સહિત નંદનકનન ઝૂલોજિકલ પાર્ક, ભીતરકણિકા નેશનલ પાર્ક, સિમલીપાલ ટાઈગર રિઝર્વ અને ગુંડિચા મંદિર પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા છે, જોકે પુરીનું જગન્નાથ મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.
પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને શ્રીકાકુલમ તથા વિઝિયાનગરમ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. શ્રીકાકુલમના સોમપેટા દરિયાકાંઠે ઊંચા મોજાં ઉછળી રહ્યા છે, જોકે વિશાખાપટ્ટનમ પરથી વાવાઝોડાનું મોટું જોખમ ટળી ગયું છે પરંતુ દરિયો તોફાની રહેવાની શક્યતા છે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં પણ વાવાઝોડાની અસરથી ભારે વરસાદ પડી રહ્યો છે અને સુંદરવન, બક્ખાલી તથા ગંગાસાગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો અને પ્રવાસીઓને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાના નામકરણની પ્રણાલી હેઠળ આ વાવાઝોડાને `અકવાન’ નામ ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે.

