Upleta તા.20
ઉપલેટાના સાજડીયાળી ગામમાં મિત્રએ જ દગો દિધો હોય તેવો બનાવ સામે આવ્યો છે. ઉછીના રૂપિયાના બદલામાં લીધેલ 5 તોલા સોનુ ઓળવી જનાર શખ્સ સામે ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ઉપલેટાના સાજડીયાળી ગામે રહેતાં કેતનભાઇ નટવરલાલ બગથરીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેન્દ્ર શાંતિલાલ કનેરીયા (રહે. સાજડિયાળી, ઉપલેટા) નું નામ આપતાં ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સાજડીયાળી ગામમાં નટરાજ હેર આર્ટ નામે દુકાન ચલાવે છે. તેઓએ રાજકોટ ખાતે દેવરખીભાઇ ગોવાભાઈ છુછરની દીકરી પાબી સાથે સવા વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ છે. તેમના લગ્ન બાદ પૈસાની જરૂરીયાત પડતા મારી પત્નીના દાગીનામાંથી સોનાની હાંસડી ગોંડલ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં તેમજ સોનાનો ચેઇન ગોંડલ મુથુટ ફાઇનાન્સમાં અને બુટીયા તથા વીટ્ટી તથા સરીયુ રાજકોટ મણીપુરમ ફાઇનાન્સમાં મુકી ગોલ્ડ લોન લીધેલ હતી.
જેથી આ દાગીના લોનના પૈસા ભરીને છોડાવવાના તેમજ તેમના મમ્મીની તબીયત બરાબર ના હોય જેથી તેની સારવાર માટે પૈસાની જરૂરીયાત પડતા ગામના મારા મિત્ર મહેન્દ્ર શાંતીલાલ કનેરીયાને દાગીના છોડાવવાના અને પૈસાની જરૂરીયાત હોય તેમ તેઓને સાજડીયાળી ગામમાં વાત કરતા તેઓએ જણાવેલ કે, વાંધો નહિ તને હું મિત્રતાના નાતે પૈસા આપુ, મારે કોઇ વ્યાજ નથી જોતુ, પરંતુ તારે તેના બદલમાં આધાર તરીકે કોઇક વસ્તુ આપવી પડે.
જેથી ફરીયાદીએ તેને કહેલ મારી પાસે બીજી કોઇ આધાર જામીન તરીકેની વસ્તુ નથી પરંતુ મારી પત્નીના સોનાના દાગીના છે, તે હું તને આપુ, તેમ કહેતા તેઓએ કહેલ કે, કાઈ વાંધો નહિ તુ મને સોનાના દાગીના આપીશ તે હું મારા લોકરમાં રાખી દઈશ અને તુ પૈસા આપ એટલે તને હું તારા સોનાના દાગીના પાછા આપી દઈશ. બાદ તા.16/04/2026 ના રોજ રોકડા તથા અમુક રકમ પત્નીના એકાઉન્ટમાં ઓનલાઈન મળી કુલ રૂ.2.90 લાખ આપેલ હતા. જેથી યુવકે દાગીના બેંક/ફાઇનાન્સમાથી છોડાવીને પાંચ તોલા દાગીના આ મહેન્દ્ર કનેરીયાને આપેલ તેના બદલામાં તેઓએ ત્યારબાદ અઠવાડીયા પછી આ બાબતનું રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર પત્નીના નામે લખાણ કરેલ હતું.
બાદમાં બે મહીના પહેલા જન્માષ્ટમી ઉપર યુવક પાસે રૂ.2.90 લાખ ભેગા થઈ જતાં મહેન્દ્રભાઈને કહેલ કે, મારે પૈસાની સગવડ થઈ ગયેલ છે, મારા દાગીના પાછા આપો. જેથી તેઓએ કહેલ કે, મે તમારા દાગીના બીજે ગીરવે મુકી લોન લીધેલ છે, તમે 15 દીવસની મુદત આપો બાદમાં ફરી સંપર્ક કરતા વધુ 15 દીવસ પછી કહેતા આ રીતે અવારનવાર મુદત માંગી દાગીના પરત આપતા ના હતા. 20 દીવસ પહેલા રૂ.3 લાખની રકમ ભરેલ બેંક ચેક આપેલ હતો અને કહેલ હતુ કે, 18 તારીખ સુધીમાં દાગીના પરત આપી દઈશ અને ચેક પાછો લઈ જાઇશ. છતા તેઓએ દાગીના પરત ન આપતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

