Ukraine,તા.20
શેનઝેનમાં એકબાજુએ ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બેઠક ચાલી રહી હતી તે જ સમયે યુક્રેને રશિયા અને તેણે ગેરકાયદેસર રીતે કબ્જે કરેલા ક્રીમિયાને જોડતા પુલ પર હવાઈ હુમલો કરતાં પુતિન ગુસ્સે ભરાયા હતા. તેમણે ચાલુ બેઠકે જ યુક્રેન પર વળતો પ્રહાર કરવાની ધમકી આપી હતી. તેના લીધે ચાર વષ કરતાં વધુ સમયથી ચાલતુ આ યુદ્ધ વધુ વણસી શકે છે. યુક્રેને છેલ્લા ચાર દિવસમાં આ પુલ પર ત્રીજો હુમલો કર્યો છે. આ પુલ પર થયેલા હુમલાના લીધે ટ્રાફિક રોકાઈ ગયો છે.
આ હુમલાના પગલે પુલને નુકસાન થયુ હતુ, પરંતુ તેનું તરત જ સમારકામ કરીને તેને પૂર્વવત્ કરી દેવાયો છે, એમ મોસ્કોએ નીમેલા ક્રીમિયાના વડાએ જણાવ્યું હતું. પુતિને કીવ પર વળતા હુમલાના આદેશ આપવાની સાથે-સાથે આ પુલને લશ્કરી સરંજામના આવનજાવન માટે બંધ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ હુમલો ત્યારે થયો છે જ્યારે બર્લિનમાં અમેરિકન રાજદૂત જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની સાથે યુરોપીયન નેતાઓ જોડે મુલાકાત થવાની છે.
રશિયા અને ક્રીમિયાને જોડતો આ ૧૯ કિ.મી. લાંબો પુલ ક્રીમિયાને લશ્કરી અને નાગરિક પુરવઠો પૂરો પાડવા માટે મહત્ત્વનો માનવામાં આવે છે. મોસ્કોએ ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય કાયદાને ધરાર ઘોળી પી જઈને ક્રીમિયાને યુક્રેન પાસેથી આંચકી લીધું હતું. યુક્રેનના હુમલાના પગલે રોડનો નોંધપાત્ર હિસ્સો તૂટી ગયો હતો. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે કેટલાય અઠવાડિયાઓની તૈયારી પછી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ માટે સ્થાનિક બનાવટના નેપચ્યુન મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની સાથે ટ્રેન ડેકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આના લીધે હવે રશિયાએ ઇંધણ અને દારુગોળાના પુરવઠાનો રૂટ નવેસરથી ગોઠવવો પડશે. તેના આ લશ્કરી માલસામાન પર અમારા ડ્રોન હુમલા કરશે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ૫૩ યુક્રેનિયન ડ્રોન આંતર્યા હતા.આ ડ્રોન રશિયા પર હુમલો કરવા આવ્યા હતા. યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રશિયાએ ૯૮ ડ્રોન અને એન્ટિશિપ મિસાઇલ વડે હુમલો કર્યો હતો. તેમા યુક્રેનિયનો બચી ગયા તે હકીકત છે. રશિયાના હુમલામાં કમસેકમ દસને ઇજા થઈ હતી. કીવને ડર છે કે ટ્રમ્પ-પુતિન-જિનપિંગની યુતિ ક્યાંક યુક્રેનનો બારોબાર ખેલ ન પાડી દે.રશિયાના પ્રમુખ પુતિન શેનઝેનમાં ગુરુવારે વિશ્વના નેતાઓને મળ્યા ત્યારે વિયેતનામમાં હનોઇથી રશિયાના બે ન્યુક્લિયર બોમ્બર ઉડયા હતા. રશિયાના બે ટીયુ-૯૫ ન્યુક્લિયર કેપેબલ બોમ્બર બે સપોર્ટ એરક્રાફ્ટની સાથે સેન્ટ્રલ વિયેતનામીઝ શહેર દા નાંગથી ઉડયા હતા. પુતિનનું ચીનમાં આગમન થયું ત્યારથી રશિયન ટીવી કેમેરાઓએ પુતિનને સતત બતાવાયા હતા. તેમની સાથે એક વ્યક્તિ બ્રીફકેસ લઈ ચાલતો હતો. આ દરમિયાન આ બંને બોમ્બરોએ જાપાનની હવાઈસીમાનો ભંગ કરતા જાપાને તેની સામે વિરોધ નોંધાવ્યો હતો.

