New Delhi, તા. 23
ભારત દ્વારા 11 આસિયાન (ASEAN) દેશોના નાગરિકોને મફત ઈલેક્ટ્રોનિક ટુરિસ્ટ વિઝા આપવાની અને વિઝા નિયમો સરળ બનાવવાની પહેલ આવકારદાયક છે, પરંતુ દેશને આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા માટે હજુ ઘણું કરવાની જરૂર છે.
ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ વર્તમાન પ્રવાસન સિઝનને ‘ફિક્કી’ એટલે કે નિરસ ગણાવી છે. ચાલુ મહિનાની શરૂઆતમાં સરકારે વિઝા પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી હતી અને વર્ષના અંત સુધીમાં ગૃહ મંત્રાલય દ્વારા આઈટી સિસ્ટમ અપડેટ કરીને નવી વ્યવસ્થા મુજબ વિઝા આપવાનું શરૂ કરાશે.
ઈન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO)ના પ્રમુખ રવિ ગોસાઈને વિઝા પ્રક્રિયા સરળ બનાવવાના નિર્ણયને સારો ગણાવતા કહ્યું કે, તેનો લાભ આગામી વર્ષની શરૂઆતથી જોવા મળશે.
વર્ષોથી મુસાફરો અને ઓપરેટરો માટે ભારતીય વિઝા પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતી હતી. હવે વિઝાની મુખ્ય શ્રેણીઓ 13થી ઘટાડીને 9 અને પેટા-શ્રેણીઓ 49થી ઘટાડીને 23 કરવામાં આવી હોવાથી મુસાફરો માટે વિઝા મેળવવા ઘણા સરળ બનશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, વિઝાની તમામ 23 શ્રેણીઓ અને પેટા-શ્રેણીઓના અરજી ફોર્મને સરળ બનાવવા માટે વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે, જેના હેઠળ ફોર્મમાં ભરવાની થતી વિગતો કે કોલમમાં 65થી 70 ટકા સુધીનો ઘટાડો કરાયો છે.
આ ઉપરાંત, 30 દિવસ અને લાંબા ગાળાના એમ બે પ્રકારની વિઝિટર વિઝા સિસ્ટમ શરૂ કરવી એ પણ એક મોટો સુધારો છે, જેનાથી અરજદારોનો સમય અને મહેનત બચશે.
ક્રિએટિવ ટ્રાવેલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કોહલીએ ભારતીય વિઝા સિસ્ટમને અત્યાર સુધી વધુ પડતા પ્રશ્નોવાળી અને ‘અમલદારશાહી’ ગણાવી હતી. તેમણે કહ્યું કે, સરળ વિઝા સિસ્ટમ હોવી અને લોકોને વિઝા માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા એ બંને અલગ બાબતો છે. હાલમાં વૈશ્વિક સ્તરે ભારત આવવા માટે કોઈ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી, તેથી સરકારે માર્કેટિંગ વધારીને પ્રવાસીઓને આકર્ષવા જોઈએ.
ફેડરેશન ઓફ એસોસિએશન ઈન ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH)ના મહાસચિવ રાજીવ મહેરાના મતે, 11 આસિયાન દેશો માટે ફ્રી ઈ-વિઝાથી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
ખાસ કરીને રામાયણ સર્કિટ અને બોધગયા જેવા સ્થળો આ દેશોના લોકો માટે ઊંડું આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા હોવાથી ત્યાં પ્રવાસીઓનો ધસારો ચોક્કસ વધશે, નોંધનીય છે કે ‘રામાયણ સર્કિટ’ એ કેન્દ્ર સરકારની ‘સ્વદેશ દર્શન’ યોજના હેઠળ વિકસાવવામાં આવેલો ખાસ પ્રવાસન રૂટ છે.
જેમાં અયોધ્યા, ચિત્રકૂટ, નાસિક અને રામેશ્વરમ સહિત ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલા દેશભરના 15 મુખ્ય પૌરાણિક સ્થળોને એકસાથે સાંકળવામાં આવ્યા છે. જો યોગ્ય ટુર પેકેજ તૈયાર કરાય તો આ પ્રવાસીઓ દેશના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે.
પ્રવાસન મંત્રાલયના આંકડા મુજબ, 2025માં ભારતમાં 91.5 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે 2019ની સરખામણીમાં 16.3 ટકા અને 2024ની સરખામણીમાં 8.1 ટકા ઓછા છે.
આ ઉપરાંત, એપ્રિલમાં લગભગ 5.34 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે એપ્રિલ 2019 કરતાં 31 ટકા ઓછા હતા. 2026-27ના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 80થી 90 લાખની આસપાસ રહેવાનો અંદાજ છે.

