New Delhi, તા.23
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઈ હવે ભારતીય સેના અને સુરક્ષા દળોના વોટ્સએપ ગ્રુપો પર નજર રાખી રહી છે. જેમાં આઇએસઆઈના ગુપ્ત એજન્ટો છૂપી રીતે સુરક્ષા દળોના વોટસએપ ગ્રુપમાં એડ થઇ રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. જેનો હેતુ ભારતીય સૈન્યની ગુપ્ત અને ઓપરેશન અંગેની માહિતી મેળવવાનો છે.
આ અંગે ગત અઠવાડિયે 17 નવેમ્બરે ઘણા સુરક્ષા દળોએ તેમના જવાનોને પાકિસ્તાની ‘આઈએસઆઈ’ અને તેના ઓપરેટિવ ‘પીઆઈઓ'(PIO)ની ગતિવિધિઓ વિશે સતર્ક રહેવા જણાવ્યું છે. સેના અને અન્ય સુરક્ષા દળોને આ સંદેશ શક્ય તેટલા સૈનિકો સુધી પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે.
આ પીઆઈઓ આ દળોના વોટ્સએપ ગ્રૂપમાં ઘૂસીને લશ્કરી પ્રવૃત્તિઓ, મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત અને અત્યંત સંવેદનશીલ સુરક્ષા નેટવર્કમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સેના, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, નાગરિક સંરક્ષણ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે ‘પીઆઈઓ ઘણા વોટ્સએપ ગ્રુપમાં છુપાયેલા છે. તેણે પોતાની જાતને દળ સાથે જોડાયેલી વ્યક્તિ ગણાવી છે.
આ અંગે હાલમાં જ સોનિયા નામની પીઆઈઓનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહિલા પીઆઈઓએ પોતાને ડીઆરડીઓના વૈજ્ઞાનિક ગણાવ્યા હતા. પીઆઈઓ સોનિયા વોટ્સએપ ગ્રુપ ‘ઓલ ઈન્ડિયા ડિફેન્સ સિવિલિયન મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પોસ્ટિંગ’માં જોડાઈ હતી.
તેણે સિવિલિયન સ્ટાફ સાથે સારી વાતચીત કરી હતી. ધીમે ધીમે મહિલા PIOએ સિવિલ સ્ટાફને ફસાવ્યો હતો. તેમજ પૈસા લીધા પછી કર્મચારીએ સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરી. આ ઘટના બાદ તમામ સશસ્ત્ર દળો અને બીઆરઓ સહિત અન્ય સંસ્થાઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

