New Delhi,તા.23
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ બિસલેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સહિત પાંચ ખાદ્ય વ્યવસાયો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.
આ કંપનીઓના ખાદ્ય ઉત્પાદનો અસુરક્ષિત અથવા હલકી ગુણવત્તાના જણાયા હતા. આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ગંભીર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અન્ય બે ખાદ્ય વ્યવસાયોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બિસલેરીના પાણીમાં બ્રોમેટનું પ્રમાણ વધુ જણાયું
FSSAIએ બિસલેરી સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે, કારણ કે તેમના પેક્ડ ડ્રિંકિંગ વોટરના એક સેમ્પલમાં `બ્રોમેટ’ની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જોવા મળી છે. ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2006 હેઠળ તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. રેફરલ ફૂડ લેબોરેટરીએ પણ તેમાં ‘પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન’ મળી આવ્યા બાદ તેને અસુરક્ષિત ઠેરવ્યું છે.
આ ઉપરાંત, FSSAIએ નબળી સ્વચ્છતા અને રીપેકિંગ (સામાનને ફરીથી પેક કરવા) સંબંધિત ગંભીર ખામીઓને કારણે `ઉર્મી લાઈફસાયન્સિસ LLP’ અને `ગૌર આયુર્વેદિક સ્ટોર’ના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે.અન્ય એક મામલે, જૂન મહિનામાં FSSAIએ `એનર્જી ડ્રિંક’ના લેબલના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો.
નિયામકની દલીલ છે કે કેટલાક પીણાંમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ખાંડ ભેળવવામાં આવે છે અને આ પ્રકારના વર્ગીકરણથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. રેડ બુલ, પેપ્સિકો, મોન્સ્ટર બેવરેજ અને રિલાયન્સ ક્નઝ્યુમરે આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે.
હાલ રેડ બુલને કોર્ટમાંથી સ્ટે મળ્યો હોવાથી તે લેબલનો ઉપયોગ ચાલુ રાખી શકશે, જ્યારે અન્ય કંપનીઓને જૂનો સ્ટોક પૂરો થયા બાદ આ લેબલ બંધ કરવા નિર્દેશ અપાયો છે. FSSAIએ રેડ બુલને મળેલી રાહતને પડકારી છે, જેની વધુ સુનાવણી આગામી જાન્યુઆરી મહિનામાં હાથ ધરાશે.
અન્ય ચાર કંપનીઓ સામે પણ કડક કાર્યવાહી
વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડઃ તેમના મરચાં પાવડરમાં `ડિફેનોકોનાઝોલ’ની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જણાતા કાર્યવાહી કરાઈ છે.
ટિટ-બિટ ફૂડ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડઃ તેમના મરચાં પાવડરમાં જંતુનાશકના અવશેષો અને હળદર પાવડરમાં ‘ટિન’ની માત્રા વધુ મળી આવતા કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
મીમાંસા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડઃ તેમની અખરોટની ગીરી હલકી ગુણવત્તાની અને અસુરક્ષિત જણાતા કાર્યવાહી કરાઈ છે. આશા ક્નફેક્શનરીઃ તેમની ચોકલેટ-ભરેલી કૂકીઝ `મિસબ્રાન્ડેડ’, હલકી ગુણવત્તાની અને અસુરક્ષિત જણાઈ છે, કારણ કે પેકેટ પર દર્શાવેલ ખાંડની માત્રા અને અસલ માત્રામાં તફાવત હતો.

