New Delhi,તા.23
નશા સામે ભારતની લડાઈ હવે માત્ર ડ્રગ્સની જપ્તી અને તસ્કરોની ધરપકડ પૂરતી મર્યાદિત રહેવાની નથી. સરકારની રણનીતિ ડ્રગ્સનો જથ્થો પકડવાની સાથે-સાથે તેની પાછળ કામ કરતી આખી વ્યવસ્થાને ધ્વસ્ત કરવાની છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2029 સુધી દેશને નશામુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેના માટે ત્રણ વર્ષીય રોડમેપ (2026— 2029) તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગુપ્ત માહિતીના આધારે સંગઠિત અને લક્ષિત કાર્યવાહી સૌથી મહત્વપૂર્ણ પાસું છે.
ભારતીય એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ટ્રાઈડેન્ટથી લઈને ભારત-અમેરિકા સહયોગથી ચલાવવામાં આવેલા ઓપરેશન મોનસૂન થંડરમાં ગુપ્ત માહિતી અત્યંત મહત્વપૂર્ણ રહી છે. ગૃહ મંત્રાલયે તમામ એજન્સીઓને ગુપ્ત માહિતીના ઝડપી અને સચોટ વિશ્લેષણના આધારે કો-ઓર્ડિનેટેડ એક્શન ઝડપી કરવાનું કહ્યું છે.
બદલાઈ રહ્યું છે સ્વરૂપ
સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે ડ્રગ્સના ગેરકાયદે કારોબારનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે. હવે તે માત્ર સરહદી વિસ્તારોમાંથી થતી તસ્કરી પૂરતું મર્યાદિત નથી.
આંતરરાષ્ટ્રીય ગેંગો, ડિજિટલ માધ્યમો, હવાલા કારોબાર, બનાવટી કંપનીઓ અને ગુપ્ત પ્રયોગશાળાઓ દ્વારા તેનું નેટવર્ક સંચાલિત થઈ રહ્યું છે. તેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, સીમા સુરક્ષા દળ અને રાજ્ય પોલીસની ભૂમિકાની સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ નિર્ણાયક છે.
નવી રણનીતિથી ડ્રગ્સ માફિયા પર પ્રહાર
અધિકારીઓએ કહ્યું, નવી રણનીતિનો મૂળ મંત્ર છે ડિટેક્ટ, ડિસ્રપ્ટ અને ડિસ્ટ્રોય (શોધી કાઢો, નેટવર્ક તોડો અને સંપૂર્ણપણે ધ્વસ્ત કરો). એટલે કે કોઈ વિસ્તારમાં નશાનો જથ્થો પકડાઈ ગયા બાદ તપાસ શરૂ કરવાને બદલે ગુપ્ત માહિતીના આધારે તસ્કરીના નેટવર્કની ઓળખ કરવી, સંચાલકો સુધી પહોંચવું અને આર્થિક કરોડરજ્જુ તોડવી.
દરેક સ્તરે સમન્વય
અધિકારીઓએ કહ્યું, ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં તૈયાર વિઝનના આધારે એનસીબી, સીમા સુરક્ષા દળ, તટરક્ષક દળ, સીમા શુલ્ક વિભાગ, રાજસ્વ ગુપ્ત માહિતી નિદેશાલય અને રાજ્ય પોલીસ વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
તો વળી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, નાણાકીય ગુપ્ત માહિતી એકમ અને બેંકિંગ વ્યવસ્થાના સહયોગથી ડ્રગ્સના કારોબારથી કમાયેલા ગેરકાયદે નાણાંની ભાળ મેળવવામાં આવશે.
ઓપરેશન ટ્રાઈડેન્ટ નેટવર્ક પર સીધો હુમલો
ગુપ્ત માહિતી પર આધારિત કાર્યવાહીનું એક ઉદાહરણ ઓક્ટોબર 2026 માં ચલાવવામાં આવેલું ઓપરેશન ટ્રાઈડેન્ટ છે. એનસીબીના નેતૃત્વમાં આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ અભિયાનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ અને નાણાકીય નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ડિજિટલ દેખરેખ
સરકાર ડાર્કનેટ અને ક્રિપ્ટોકરન્સીથી થતા ગેરકાયદે કારોબાર પર પણ ધ્યાન આપી રહી છે. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સમાં વિશેષ ડાર્કનેટ અને ક્રિપ્ટોકરન્સી સેલ સ્થાપિત કરી એઆઈ આધારિત વિશ્લેષણને પ્રોત્સાહન આપવાની યોજના પર કામ થઈ રહ્યું છે. એજન્સીઓને ટેકનિક અને તાલીમથી સજ્જ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ગુપ્ત પ્રયોગશાળાઓ અને સપ્લાય ચેઈન પણ નિશાના પર
સિન્થેટિક ડ્રગ્સના વધતાં જોખમને ધ્યાનમાં રાખીને ડ્રગ્સમા વપરાતાં રસાયણોની ખરીદ-વેચાણ અને ઉપયોગ પર દેખરેખ વધારવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય એ ગુપ્ત પ્રયોગશાળાઓ સુધી પહોંચવાનો છે, જ્યાં ગેરકાયદે રીતે નશીલા પદાર્થો તૈયાર કરવામાં આવે છે. તેના માટે એજન્સીઓ વચ્ચે આંતર-મંત્રાલયી સમન્વય સ્થાપિત થઈ રહ્યો છે.
ગોર બોલ્યા- ભાગીદારીનું ઉદાહરણ ઓપરેશન મોનસૂન થંડર
અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે ઓપરેશન પમોનસૂન થંડરથની સફળતા પર ભારત અને અમેરિકા વચ્ચે વધતા સુરક્ષા સહયોગની પ્રશંસા કરી છે. તો વળી ગૃહમંત્રી અમિત શાહે પણ એજન્સીઓની જોરદાર પ્રશંસા કરી છે.
અમેરિકી રાજદૂતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે આ અભિયાન ભારત-અમેરિકા ભાગીદારીની જમીની સ્તર પર અસરકારક કાર્યવાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમેરિકી રાજદૂતના જણાવ્યા મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (ડીઈએ) સાથે નજીકના સમન્વયમાં એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી નેટવર્કને ધ્વસ્ત કર્યું. અમેરિકી રાજદૂતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વની પ્રશંસા કરતા તેમનો આભાર પણ વ્યક્ત કર્યો.
સરકારે નક્કી કરેલા લક્ષ્યો
* 100 આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કને ધ્વસ્ત કરવા
* 100 નશીલા પદાર્થોના કેસોમાં વોન્ટેડ ભાગેડુઓને પાછા લાવવા
* 50 કરોડ નાગરિકો સુધી નશામુક્તિ અભિયાન પહોંચાડવું, સો ગુપ્ત પ્રયોગશાળા નાશ કરવી
* 01 લાખ નશામુક્ત ભારત મિત્ર તૈયાર કરવા, પુનર્વસન કેન્દ્રોની ક્ષમતા પાંચ ગણાથી વધુ વિસ્તારવી

