Washington, તા.૨૩
અમેરિકામાં એક ભારતીય મૂળના યુવકે એક યુવતીના મોબાઇલમાંથી તેના અંગત ફોટો પોતાના મોબાઇલમાં લઇ લીધા હતા, સાથે જ યુવતીની મંજૂરી વગર સ્નેપચેટમાં લોગઇન પણ કરી લીધુ હતું. આ મામલે યુવકને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સ આઇસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.ભારતીય મૂળના રાહુલ આનંદકૃષ્ણનને આઇસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મંજૂરી વગર વાંધાજનક તસવીરો અને વીડિયો લેવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આઇસે જણાવ્યું હતું કે આનંદકૃષ્ણન કાઉંટ જેલમાં સજા કાપી ચુક્યો છે અને હવે ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી આઇસની કસ્ટડીમાં રહેશે. ઓસ્ટિન પોલીસને એવી ફરિયાદ મળી હતી કે ટેક્સાસમાં કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર સ્થિત ટોટલ વાયરલેસ સ્ટોરમાં કામ કરતા એક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ મળી હતી. મહિલાએ ફરિયાદ કરી હતી કે સ્ટોરના એક કર્મચારીએ નેટવર્ક સેટિંગ ઠીક કરવાના નામે મારો મોબાઇલ લીધો હતો, બાદમાં મારા મોબાઇલમાં મારી જે અંગત તસવીરો હતી તેને મારી મંજૂરી વગર જ એક એપની મદદથી પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કરી દીધા હતા. એટલુ જ નહીં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ખોલ્યા હતા. મોબાઇલને આરોપી યુવક દુકાનની પાછળ લઇ ગયો હતો જ્યાંથી તેણે આ તસવીરો પોતાના મોબાઇલમાં લઇ લીધી હતી. બાદમાં મોબાઇલ યુવતીના હાથમાં આવ્યો તો તેને આ વાતની જાણ થઇ હતી. તેથી તેણે પોલીસ બોલાવીને ફરિયાદ કરી હતી

