Sir, તા.૨૩
વિદેશમાં ભારતીયોની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ફરી એક આવી જ ઘટના કેનેડામાં બની છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં આવેલા એક વોલમાર્ટ સ્ટોરના પાર્કિંગમાં થયેલા જીવલેણ ગોળીબારમાં ભારતીય મૂળના એક યુવક અને યુવતીના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસના મતે આ એક પૂર્વઆયોજિત હુમલો હોઈ શકે છે અને તેનો સંબંધ સંગઠિત અપરાધ સાથે જોડાયેલો હોવાની આશંકા છે. જેથી તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, મૃતકોની ઓળખ ૨૩ વર્ષીય ગગનપ્રીત (ગેરી) રેહલ અને ૨૪ વર્ષીય સુખજીત કૌર તરીકે થઈ છે. બંને નજીકના ડેલ્ટા ટાઉનશીપના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ૧૫ નવેમ્બરની રાત્રે લગભગ ૧૦ઃ૩૮ વાગ્યે વોલમાર્ટ સ્ટોરના પાર્કિંગ વિસ્તારમાં ગોળી વાગેલી હાલતમાં બંને મળી આવ્યા હતા. સરે પોલીસ સર્વિસના જણાવ્યા પ્રમાણે, ઇમરજન્સી મેડિકલ ટીમે હોસ્પિટલ ખસેડતા પહેલા ઘટનાસ્થળે જ બંનેનો જીવ બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા નહીં અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.આ વિસ્તારમાં થતા ગંભીર હત્યાના કેસોની તપાસ કરતી ‘ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ‘ એ આ સમગ્ર મામલાની તપાસ સંભાળી લીધી છે. ગોળીબારની ઘટનાના આશરે ૧૩ મિનિટ બાદ એક વાહનમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે. તપાસ એજન્સીઓ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ બળી ગયેલી કારનો આ ગોળીબાર સાથે કોઈ સીધો સંબંધ છે કે કેમ?આ પહેલા પણ અમેરિકા અને કેનેડા સહિત વિશ્વના કેટલાક દેશોમાં ભારતીય નાગરિકોની હત્યાઓ કરવામાં આવેલી છે. આ ઘટનાઓ સતત વધી રહી છે. વિદેશમાં રહેતા ભારતીયો જેતે દેશમાં પોતાને સુરક્ષિત અનુભવ કરે એ જરૂરી છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકામાં હત્યાની ઘટનાઓ વધી રહી છે.

