Thiruvananthapuram, તા.૨૩
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર્સની વાતોમાં આવવું એક યુવતીને ભારે પડી ગયું હતું, આ યુવતીએ ચહેરાને ચમકાવવાના ચક્કરમાં કિડનીની બીમારી નોતરી લીધી હતી. ઇન્ફ્લુએંસરના કહ્યા મુજબ ફેસ ક્રીમ વાપરી જોકે આ ક્રીમમાં એટલી માત્રામાં ધાતુ (મરક્યૂરી) હતી કે જેને કારણે યુવતીને કિડનીની બીમારી થઇ ગઇ. પરિસ્થિતિ એટલી કફોડી થઇ ગઇ હતી કે યુવતીને આઇસીયુમાં દાખલ કરવી પડી હતી.કેરળના મલપ્પુરમના અરીકોડેની રહેવાસી એક ૧૮ વર્ષીય યુવતી એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુએંસરની વાતોમાં આવી ગઇ હતી, તેણે સોશિયલ મીડિયા પર એક ફેસ ક્રીમની જાહેરાત જોઇ હતી. વિશ્વાસમાં આવીને તેણે આ ક્રીમ ઓનલાઇન મંગાવી હતી અને ઓગસ્ટ ૨૦૨૫માં તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. એક વર્ષમાં તેણે ત્રણ બોટલ ક્રીમ વાપરી નાખી. ચહેરા પર પિંપલ કે અન્ય કોઇ પણ ડાઘ દૂર કરવા માટે અથવા ગોરા દેખાવા માટે આ ક્રીમનો તે ઉપયોગ કરતી હતી. ત્રણ મહિના પહેલા જ યુવતીના શરીર પર આ ક્રીમની આડ અસરો દેખાવા લાગી અને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા પેદા થવા લાગી. અચાનક જ તેનું બ્લડ પ્રેશર ડ્રોપ થવા લાગ્યું, હાથ પગમાં ધુ્રજારી થવા લાગી અથવા સોજા થવા લાગ્યા. પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ કે તે પગ પર ઉભી પણ નહોતી રહી શકતી, એક દિવસ તે બેભાન થઇ ગઇ જેને પગલે તેને આઇસીયુમાં દાખલ કરવી પડી હતી. યુવતીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મને યાદશક્તિ ઓછી થવા લાગી, જે કઇ અભ્યાસ કર્યો હોય તે યાદ નહોતું રહેતું જેને કારણે પરિક્ષામાં સમસ્યા થવા લાગી. અરીકોડેમાં એક ખાનગી હોસ્પિટલમાં યુવતીને દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ યુવતીને કોસ્મેટિકના ઉપયોગ અંગે સવાલ કર્યો ત્યારે મામલો બહાર આવ્યો હતો, યુવતી જે ક્રીમનો ઉપયોગ કરી રહી હતી તે હોસ્પિટલને આપી, બાદમાં હોસ્પિટલ દ્વારા લેબમાં આ ક્રીમની ચકાસણી કરતા સૌ કોઇ ચોંકી ઉઠયા હતા, સરકાર માન્ય લેબમાં ટેસ્ટ કરતા સામે આવ્યું કે ક્રીમમાં ભયાનક માત્રામાં મરક્યૂરી એટલે કે પારો (ધાતુ) નીકળ્યું, આ ધાતુ જેને લિક્વિડ મેટલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સ્કિનના માધ્યમથી કિડની સુધી પહોંચ્યું હતું, કિડનીના ફિલ્ટરિંગ યુનિટ પર તેની અસર જોવા મળી જેને કારણે યુરિનના માધ્યમથી બહુ જ મોટા પ્રમાણમાં પ્રોટિન ઘટવા લાગ્યું.હાલમાં પરિવારે આ ક્રીમ પુરી પાડનારી કંપની સામે કેસ કરવાની તૈયારી કરી લીધી છે.

