Wellington, તા. 24
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ને બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવા પર લાગેલા પ્રતિબંધ પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો છે અને સાથે કહ્યું છે કે કૂકાબુરા બોલ ખૂબ જલદી નરમ થઈ જાય છે. ગિલે આ ટિપ્પણી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રો રહ્યા બાદ કરી હતી.
ભારતીય કેપ્ટને કહ્યું, ‘હવે આપણે કોવિડ કાળથી ઘણા આગળ નીકળી ચૂક્યા છીએ ત્યારે એક નિયમ હતો કે બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ ન કરી શકાય. હવે સાત-આઠ વર્ષ થઈ ગયા છે. મને નથી ખબર કે તેની મંજૂરી કેમ નથી આપવામાં આવી રહી.
રમત માટે જે પહેલો બોલ લેવામાં આવ્યો હતો તે 25-30 ઓવર પછી ખૂબ નરમ થઈ ગયો હતો. મને લાગે છે કે ન્યૂઝીલેન્ડે પણ ફરિયાદ કરી હતી. ઇંગ્લેન્ડમાં પણ આ જ થયું હતું.’ ભારતીય કેપ્ટને કૂકાબુરા બોલની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતાં.
થોડી વધુ ઓવર નાખવાનો ફાયદો નહોતો
ગિલને જ્યારે નિર્ધારિત સમયથી એક કલાક પહેલાં મેચ ડ્રો કરવા માટે સહમત થવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘જો પિચથી થોડી મદદ મળી રહી હોત તો કદાચ સ્થિતિ અલગ હોત. આપણા પેસર્સ થાકી ચૂક્યા હતા.
તેમણે મેચમાં લગભગ 50 ઓવર નાખી હતી. આગામી મેચ ત્રણ દિવસ પછી છે અને ટીમને પ્રવાસ પણ કરવાનો છે. તેથી તમામ બોલરોને ફ્રેશ રાખવા માટે મેચ વહેલો પુરો કરી દીધો હતો કેમ કે મને નથી લાગતું કે 5 થી 10 ઓવર વધુ નાખવાથી કોઈ ખાસ ફાયદો થાત.’
લેથમ પણ પિચથી નારાજ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે સ્વીકાર્યું કે પિચ અપેક્ષા કરતાં ઘણી વધુ સપાટ હતી. તેમણે કહ્યું, ‘આ બેસિન રિઝર્વની એ પિચ નહોતી જેના પર આપણે છેલ્લા કેટલાક વર્ષોથી રમતા આવ્યા છીએ.’
સિરાજ સારો મિત્ર
વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજને અંતિમ ઇલેવનમાંથી બહાર રાખવાના સવાલ પર ગિલે કહ્યું કે તેમની સિરાજ સાથે સારી મિત્રતા છે, પરંતુ મેચમાં વધુ સારા ફોર્મમાં ચાલી રહેલા બોલરોને તક આપવી યોગ્ય સમજી.
ગિલે કહ્યું, ‘સિરાજે ભારત માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ બધાથી પહેલાં તે મારો ખૂબ સારો મિત્ર છે. તેથી તેને ટીમમાંથી બહાર રાખવો મારા માટે ખરેખર ખૂબ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ ક્યારેક તમારે એ જોવું પડે છે કે કયા બોલર ફોર્મમાં છે, કયા બોલર શ્રેષ્ઠ બોલિંગ કરી રહ્યા છે.’

