Gir Somnath,તા.૨૪
વેરાવળમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વેરાવળ રેલવે સ્ટેશન નજીક નાના ભાઈએ મોટા ભાઈ પર હુમલો કરી તેની હત્યા નીપજાવી હોવાનો આરોપ છે. આ ઘટનામાં ૪૩ વર્ષીય સુરેશ મનજી સોલંકીનું મોત થયું છે, જ્યારે હત્યાના આરોપસર પોલીસે નાના ભાઈ ભોલા સોલંકીની અટકાયત કરી છે.
બંને ભાઈઓ વચ્ચે જમવાનું લેવા જવા મુદ્દે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બનતાં નાના ભાઈએ મોટા ભાઈ સુરેશ સોલંકી પર પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હોવાની આશંકા છે. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં સુરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપી ભોલા સોલંકીને અટકાયતમાં લીધો હતો. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની સમગ્ર હકીકત જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, અગાઉ પણ ગુજરાતમાં ભાઇએ ભાઇની હત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ખાસ કરીને આ વર્ષે જ અગાઉ આવી બે ઘટના બની હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાડ ગામમાં રમેશ વસાવા નામના વ્યક્તિએ પોતાના નાના ભાઈ ગુર્જી વસાવાની ધારિયાના ઘા મારી હત્યા કરી હતી. આરોપીને શંકા હતી કે તેનો ભાઈ તેની વિરુદ્ધ કાળી વિદ્યા કરાવે છે. આ ઘટનામાં બે ભત્રીજીઓને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ અગાઉ ૨૦૦૫માં પણ પોતાના એક મોટા ભાઈની હત્યા કરી હતી.
જ્યારે તાજેતરમાં જ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામમાં લગ્ન બાબતે થયેલા વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

