પ્રૌઢે મહિલા સહીતની બેલડી સામે બે મોબાઈલ અને રોકડની લૂંટનો ગુનો નોંધાવ્યો’તો
લૂંટના ગુનાના ફરિયાદીએ વિધવાનો દેહ ચૂંથ્યાનો આરોપ : મહિલાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પ્રૌઢ સામે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ વળતો ગુનો નોંધ્યો
Rajkot,તા.૨૧
ધોરાજીના વીશી પ્લોટમાં રહેતા 54 વર્ષીય પ્રૌઢને અઢી માસ પૂર્વે તોરણીયા નજીક વાડીમાં બોલાવી મહિલા સહીતની બેલડીએ રોકડ અને બે મોબાઈલની લૂંટ ચલાવી હતી. જે મામલે હવે નવો વળાંક આવ્યો છે. મહિલા આરોપીએ લૂંટના ગુનાના ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. પ્રૌઢે તેણીને વીશીપરાના મકાનમાં બોલાવી દેહ ચૂંથ્યાનો અને તોરણીયાની વાડીમાં શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ કરતા ધોરાજી તાલુકા પોલીસે 54 વર્ષીય પ્રૌઢ સામે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.
સમગ્ર બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર જેતપુરમાં રહેતી 29 વર્ષીય વિધવા મહિલાએ આરોપી તરીકે મનસુખભાઈ ભીખાભાઇ ભડેલિયા (ઉવ 54 રહે. વીશી પ્લોટ, ધોરાજી)નું નામ આપતાં ધોરાજી તાલુકા પોલીસે દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી રસોડા(લગ્ન પ્રસંગે રસોઈનું કામકાજ) કરે છે. દરમિયાન મનસુખભાઈ ભડેલિયા તેણીના સંપર્કમાં આવ્યા હતા. બાદ તેણે વિધવા મહિલાને લગ્નની લાલચ આપી હતી. આરોપીએ કહ્યું હતું કે, હું તને મકાન લઇ આપીશ, હવે તારે કોઈ કામ કરવું પડશે નહિ તેમ જણાવી પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં આશરે અઢી વર્ષ પૂર્વે આરોપીએ પીડિતાને તેના વીશીપરા સ્થિત મકાને બોલાવી દુષ્કર્મ આચરી લીધું હતું. ત્યારબાદ પીડિતાના ઘર સહિતના સ્થળોએ આરોપીએ અનેકવાર દેહ ચૂંથ્યો હતો. બાદ આરોપીએ પરબડી-તોરણીયા રોડ પર આવેલ વાડીમાં પણ શારીરિક અડપલાં કર્યા હતા.
જે મામલે ધોરાજી તાલુકા પોલીસે પીડિતાની ફરિયાદ પરથી દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી હતી. અત્રે એવુ નોંધનીય છે કે, દુષ્કર્મના ગુનામાં આરોપી બનેલા 54 વર્ષીય મનસુખ ભડેલીયા અઢી માસ પૂર્વે દુષ્કર્મ પીડિતા સહીત બે શખ્સો સામે લૂંટનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં પ્રૌઢે એવો આક્ષેપ કર્યો હતો કે, રસોડાનું કામ કરતી મહિલા ગરીબ વર્ગની હોય તે મહિલાની મદદ કરતા હતા. દરમિયાન મહિલાએ પ્રૌઢને દાણા જોવડાવા જવું છે કહી તોરણીયા ચોકી રોડ પર આવેલ વાડીએ બોલાવી તેના સાગરીત સાથે મળી બે મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી લીધી હતી.

