અશોક ઘોડકીયાને ગાળો બોલવાની ના પાડતાં ધોકા વડે તૂટી પડ્યો : પરિણીતાના મોત બાદ સારવારમાં પતિએ દમ તોડયો , પરીવારમાં કાળો કલ્પાંત
ઘટનાને પગલે આટકોટ પીઆઈ આર એમ રાઠોડ સહિતનો કાફલો દોડ્યો : હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો
Rajkot,તા.૨૧
જસદણ પંથકમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જંગવડ ગામે કૌટુંબિક જેઠએ લાકડાના ધોકા વડે આડેધડ ઘા ઝીંકી ત્રણ મહિલા સહીત ચાર લોકોને લોહીલુહાણ કરી દીધા હતા. જેથી તાત્કાલિક ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર કારગત નિવડે તે પૂર્વે કોળી દંપતીએ દમ તોડી દેતા બનાવ બેવડી હત્યામાં તબદીલ થઇ ગયો હતો. સમગ્ર મામલે આટકોટ પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આદરી છે.
સમગ્ર ચકચારી ઘટનામાં લાભુબેન જેન્તીભાઇ બચુભાઈ ઘોડકીયા (ઉ.વ.૩૫ રહે. જંગવડ, લીંબડા ચોક, જસદણ)એ આરોપી તરીકે અશોક ગોબરભાઈ ઘોડકીયા (રહે. જંગવડ, જસદણ)નું નામ આપતાં આટકોટ પોલીસે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેમાં મોટી દિકરી માનશી અને નાનો દિકરો નામે વ્રજ છે. મારા પતિ ત્રણ ભાઇઓ છે. જેમાં સૌથી મોટા રમેશભાઇ, તેનાથી નાના મારા પતિ છે અને સૌથી નાના પ્રકાશભાઈ છે. અમે બધા અલગ-અલગ રહીએ છીએ. ગઇ તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ બપોર પછી સાડા ત્રણ વાગ્યે અમારી બાજુમાં રહેતા લાલજીભાઈ બાવળીયાની દિકરી ઇલાનો મારા મોબાઇલમાં ફોન આવેલ હતો. ત્યારે મારા દિકરા વ્રજે મારી સાથે વાત કરી કહેલ કે, હું પ્રકાશકાકા સાથે હનુમાનજીના મંદીરે સપ્તાહમાં જાવ છું. જેથી મે મારા દિકરાને સપ્તાહમાં જવાની ના પાડેલ હતી. હનુમાનજીનું મંદીર જંગવડ ગામથી દુર રોડ ઉપર હોય જેથી મને બીક લાગતા હું મારા દિકરા વ્રજને લેવા માટે મારા દિયર પ્રકાશભાઇના ઘર બાજુ ગયેલ હતી. પ્રકાશભાઈના ઘરનું બારણું ખખડાવતા મારી દેરાણી વિલાસબેન બહાર આવેલ હતા. દરમિયાન મારા કુટુંબી જેઠ અશોકભાઈ ઉર્ફે સુડો ગોબરભાઈ ઘોડકીયા તેના હાથમાં એક લાકડાનો ફાડો(ધોકો) હતો. તે મોટે-મોટેથી ગાળો બોલતો હોય જેથી મે તથા મારી દેરાણીએ તેને ગાળો બોલવાની ના પાડી કહેલ કે, શું લેવા ગાળો આપો છો? તેમ કહેતા અશોકભાઇએ કહેલ કે, આજે તમને બધાને મારી નાખવા છે તેમ કહી તેના હાથમાં રહેલ લાકડાનો ફાડો મને માથામાં મારવા જતા મે મારો ડાબો હાથ આડો કરતા મને ડાબા હાથની હથેળીના ભાગે ઘા વાગેલ હતો. ત્યારબાદ બીજો ઘા મારા માથામાં ડાબી બાજુ જોરથી મારી દેતા મને માથામાંથી લોહી નિકળવા લાગેલ હતું. તે વખતે મારી દેરાણી વિલાસબેન વચ્ચે પડતા અશોકે તેમને પણ માથાના ભાગે લાકડાના ફાડાનો ઘા મારી દીધેલ હતો. અમે રાડારાડી કરતા મારા દિયર પ્રકાશભાઈ ઘર અંદરથી બહા૨ દોડી આવ્યા હતા. બાદ અશોકભાઇએ પ્રકાશભાઈને પણ માથામાં લાકડાના ફાડા વડે જેમ ફાવે તેમ ઘા મારવા લાગેલ હતા. જેથી મારા દિયર તથા દેરાણી જમીન પર પડી ગયેલ હતા. તે વખતે મારા ભત્રીજા ભુપતભાઈની પત્ની પુરીબેન વચ્ચે પડતા તેને પણ માથામાં અશોકભાઈએ લાકડાના ફાડાના ઘા મારવા લાગતા તે પણ જમીન પર પડી ગયેલ હતી. દરમિયાન મારા જેઠ રમેશભાઈ આવી જતા અશોકભાઈ ત્યાંથી નાસી ગયેલ હતો.
હુમલામાં ઘવાયેલા ચારેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઓટો રીક્ષા અને ઇકો કારમાં આટકોટની કે ડી પરવાડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદ પ્રકાશભાઈ અને વિલાસબેનને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જયા વિલાસબેન ઘોડકીયા (ઉવ 32)ને તબીબે મૃત જાહેર કરી દેતા બનાવ હત્યામાં તબદીલ થયો હતો.
જે મામલે ફરિયાદ નોંધાવતા પરિણીતાએ જણાવ્યું હતું કે, અગાઉ અમે મારા કાકાજી સસરા લઘરાભાઈ ઘોડકીયાના મકાને રહેતા હોય ત્યારે અમારા કુટુંબી જેઠ અશોકભાઈ અવાર-નવાર અમારી સાથે માથાકુટ કરી, ગાળો આપી મારી નાખવાની ધમકી આપતાં હતા. જેથી અમે મકાન ખાલી કરી અન્ય સ્થળે ભાડે રહેવા માટે જતા રહેલ હતા. જે બાદ અશોકભાઈએ લાકડાના ધોકા સાથે ધસી આવી હુમલો કરી દેરાણી વિલાસબેનની હત્યા નીપજાવી દીધી હતી. દરમિયાન પ્રકાશભાઈ ઘોડકીયા(ઉવ 35) એ પણ આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. એક જ ઘરમાંથી એક સાથે બે લોકોની અર્થી ઉઠતા કોળી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો છે. સમગ્ર મામલે આટકોટ પીઆઈ આર એમ રાઠોડની ટીમે તાત્કાલિક આરોપી અશોક ગોબર ઘોડકીયા (ઉવ 40 આશરે) ને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

