Ahmedabad,તા.૨૪
અમદાવાદ નજીક જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા મંદિર ‘વિશ્વઉમિયાધામ’ ખાતે દ્વારકા શારદા પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે ખાસ મુલાકાત લીધી હતી. તેમણે વિશ્વના સૌથી ઊંચા મંદિરના નિર્માણ કાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આ પાવન અવસરે શિલાપૂજન કરીને જગતજનની મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વિશ્વઉમિયાધામના નિર્માણાધીન ગર્ભગૃહની મુલાકાત લઈને ચાલી રહેલા બાંધકામની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. પરિસરની ભવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, “વિશ્વઉમિયાધામ પરિસરની ઉર્જા ખૂબ જ સકારાત્મક છે અને આ ભવ્ય ધામ આગામી સમયમાં સનાતન ધર્મનું મોટું પ્રતિક બનશે.”
આ પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સમાજને ધર્મનો સાચો માર્ગ બતાવતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ મહત્ત્વપૂર્ણ ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હિંદુ ધર્મના લોકોએ માત્ર પંચદેવની જ પૂજા કરવી જોઈએ અને નકલી દેવી-દેવતાઓથી દૂર રહેવું જોઈએ.” શંકરાચાર્યના આ નિવેદન અને આશીર્વચનથી ઉપસ્થિત ભક્તોમાં ભારે આધ્યાત્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.

