Ahmedabad,તા.૨૬
Ahmedabadમાં રિક્ષા-ટેક્સી ચાલકો અને તંત્ર વચ્ચેનો વિવાદ વકર્યો છે. ઓનલાઈન બુકિંગમાં ઓછું ભાડું મળતું હોવા અને ટેક્સીમાં ખાનગી વાહનોનો ઉપયોગ થતો હોવાના આક્ષેપ સાથે બુધવારે (૨૫ નવેમ્બર) ૧૭ યુનિયન સાથે જોડાયેલા રિક્ષા-ટેક્સી ચાલકોએ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીનો ઘેરાવ કર્યો હતો. બે મહિના અગાઉ ગાંધીનગરમાં બેઠક યોજાયા બાદ પણ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપીને માગણીઓ નહીં સંતોષાય તો સાબરમતી નદી પરના તમામ છ બ્રિજ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.નકશા જુઓ
રિક્ષા-ટેક્સી ચાલકોની મુખ્ય માગણી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ મારફતે ઓનલાઈન બુક થતી રિક્ષા-ટેક્સીમાં મળતા ઓછા ભાડાનો પ્રશ્ન ઉકેલવાની છે. આ ઉપરાંત ટેક્સીમાં સફેદ નંબર પ્લેટ ધરાવતા ખાનગી વાહનોના ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
બુધવારે વિવિધ ૧૭ યુનિયનના સભ્યોએ બોર્ડ અને બેનરો સાથે સુભાષ બ્રિજ આરટીઓ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન પોલીસનો કાફલો પણ કચેરીએ પહોંચી ગયો હતો.વિરોધ ઉગ્ર બનતાં આરટીઓના અધિકારીઓએ નીચે આવીને ચાલકો સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી.
જોકે, પ્રગતિ રિક્ષાચાલક યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં માગણીઓ અંગે નિર્ણય નહીં આવે તો વિવિધ રિક્ષા-ટેક્સી યુનિયનો સાબરમતી નદી પરના તમામ છ બ્રિજ પર વાહનવ્યવહાર રોકીને વિરોધ કરશે. આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે.
ટેક્સીમાં સફેદ નંબર પ્લેટ ધરાવતા ખાનગી વાહનોના ઉપયોગ સામે રિક્ષા-ટેક્સી યુનિયનો સપ્ટેમ્બર મહિનાથી રજૂઆત કરી રહ્યાં છે. આ મામલે આરટીઓ દ્વારા ૨૭ ઓક્ટોબરના રોજ ઓલા, ઉબર અને રેપિડો ત્રણેય કંપનીના એગ્રિગેટરને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી.જોકે, નોટિસ બાદ પણ કોઈ અસરકારક ઉકેલ ન આવતા ચાલકોએ ફરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આરટીઓ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, ત્રણેય કંપનીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવ્યા બાદ તેમના તરફથી ખુલાસા રજૂ કરવામાં આવ્યા છે. આ મામલે શનિવાર સુધીમાં આખરી નિર્ણય લેવામાં આવશે.

