Jamnagar,તા.૨૬
ગુજરાતના હાઇવે પર Indian Armyએ એવી કવાયત કરી છે, જે દેશની સંરક્ષણ તૈયારીઓની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર પર ભારતીય સેનાના ચાર માઇક્રોલાઇટ વિમાનોએ સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફ કર્યું હતું. આ અભ્યાસ દ્વારા દર્શાવવામાં આવ્યું કે જરૂરિયાત ઊભી થાય ત્યારે આધુનિક હાઇવેનો ઉપયોગ વૈકલ્પિક રનવે તરીકે પણ કરી શકાય છે. આ કવાયતનો વીડિયો પણ સામે આવ્યો છે.
ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૭૫૪એ પર કિલોમીટર માર્ક ૯૪૬થી ૯૪૯ વચ્ચે આ વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારતીય સેનાના ચાર વિમાનોએ નિર્ધારિત માર્ગ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું અને ત્યારબાદ ફરીથી ઉડાન ભરી હતી.
વિમાનોએ સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફની આ કામગીરી ‘ટીમ માઉન્ટેન ઇગલ્સ’ દ્વારા ‘વિંગ્સ ઓફ વેલર એન્ડ યુનિટી એક્સપિડિશન’ હેઠળ કરવામાં આવી હતી. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવેનો ઉપયોગ માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં, પરંતુ વિશેષ લશ્કરી કામગીરીમાં પણ થઈ શકે તે દર્શાવવાનો હતો.
આ કવાયતમાં બે ફિક્સ્ડ વિંગ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને બે ફ્લેક્સિબલ વિંગ સંચાલિત હેંગ ગ્લાઇડર્સ સામેલ હતાં. તેમાં એક્સ-એર ‘હનુમાન’, સવાન્નાહ એમએકસપી ૭૪૦ સહિતનાં માઇક્રોલાઇટ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તમામ વિમાનોએ હાઇવેના નિર્ધારિત ભાગ પર ચોકસાઈપૂર્વક ઉતરાણ કર્યું હતું. ખાસ વાત એ હતી કે લેન્ડિંગ બાદ હાઇવે પર જ વિમાનોમાં ઇંધણ ભરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ફરી ઉડાન માટે તૈયાર કરવામાં આવ્યાં હતાં.
વિમાનોએ સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફની આ કામગીરી માટે ભારતીય સેના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે સંયુક્ત રીતે કામગીરી કરી હતી.
કવાયત પહેલાં એનએચએ૬આઇની ટીમે હાઇવેની સપાટી, પહોળાઈ, મજબૂતાઈ અને સુરક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. વિમાનોના ઉતરાણ અને ઉડાન દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ હાઇવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ કવાયતની માહિતી શેર કરી હતી. તેમણે ભારતીય સેના અને એનએચએઆઇ વચ્ચેના સંકલનને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી.
ગડકરીના જણાવ્યા અનુસાર, આધુનિક હાઇવે માત્ર આર્થિક વિકાસ અને પરિવહન માટે જ નહીં, પરંતુ દેશની વ્યૂહાત્મક અને સંરક્ષણ જરૂરિયાતો માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમણે આ સફળ કામગીરી માટે ટીમ માઉન્ટેન ઇગલ્સ,એનએચએઆઇ અને અન્ય સંબંધિત એજન્સીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

