Surat,તા.૨૬
સુરત જિલ્લાના Bardoli તાલુકામાં એક જ પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દેવાના ચકચારી કેસમાં તપાસ દરમિયાન વધુ એક મૃતદેહ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. સરભણ ગામ નજીક આવેલી નહેરમાંથી ૩ વર્ષના પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મૃતકના સગાઓ દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. ફાયર વિભાગના જવાનોએ મૃતદેહને નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ ઘટનાએ સુરત અને Bardoli પંથકમાં ભારે ચકચાર મચાવી છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક પરિવારના છ સભ્યોને ૨૨ નવેમ્બરની રાત્રે બારડોલી નજીક રોકીને ઉકાઈ તરફ લઈ જવામાં આવ્યા અને નહેરમાં ફેંકી દેવાયા હોવાનો પોલીસનો આરોપ છે. ઘટનામાં એક ૧૩ વર્ષના કિશોરનો આબાદ બચાવ થયો હતો. અગાઉ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય બાળકોની શોધખોળ ચાલી રહી હતી.આ કેસમાં સરભણ ગામ પાસે નહેરમાંથી ૩ વર્ષના પ્રથમેશ પાટીલનો મૃતદેહ મળતાં પોલીસ અને બચાવ ટીમની કામગીરી વધુ ગંભીર બની છે. મૃતદેહ મળ્યા બાદ પરિવારના સગાઓને જાણ કરવામાં આવી હતી અને તેમની હાજરીમાં ઓળખ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ફાયર વિભાગના જવાનો દ્વારા મૃતદેહને નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અગાઉ પણ પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ નહેરના વિવિધ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી.પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે નહેરમાં સર્ચ ઓપરેશન મુશ્કેલ બન્યું હતું. ગુમ થયેલા બાળકોની શોધ સરળ બને તે માટે સિંચાઈ વિભાગને નહેરમાં પાણીનો પ્રવાહ ઘટાડવા માટે પણ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
આ ચકચારીમાં અગાઉ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ, તેમની પત્ની કવિતા પાટીલ અને તેમની ૯ વર્ષની પુત્રી સ્વીટીના મૃતદેહ નહેરમાંથી મળી આવ્યા હતા.પરિવારના છ સભ્યોમાંથી ૧૩ વર્ષનો કરણ પાટીલ નહેરમાં પાણીની પાઇપ પકડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તે નહેરમાંથી બહાર આવી નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચ્યો હતો અને ત્યાંના લોકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારથી સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પરિવાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ વિસ્તારમાં રહેતો હતો અને કામ માટે સુરત તરફ આવી રહ્યો હતો. રસ્તામાં ઉવા ગામ નજીક અન્ય એક વાહને તેમની કારને અટકાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર ચાર શખ્સોએ પરિવારની કારને રોકી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને કથિત રીતે અલગ-અલગ વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા અને ઉકાઈ તરફ લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પરિવારના તમામ સભ્યોને ઉકાઈની લેફ્ટ બેંક કેનાલમાં ફેંકી દીધા હતા. ૧૩ વર્ષનો કરણ પાઇપ પકડીને બહાર નીકળી ગયો હતો, જેના કારણે સમગ્ર ઘટનાની માહિતી પોલીસ સુધી પહોંચી શકી હતી.આ કેસમાં પોલીસે અપહરણ અને હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં ટેક્નિકલ ટીમ સહિત પોલીસની અનેક ટીમો કામે લાગી હતી.

