Gondalતા.14
ગોંડલનાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. કોઇ દયાવિહીન માતાએ અધુરા માસે જન્મેલા બાળકનાં મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી કચરાનાં ઢગલામાં ફેંકી દઇ ‘જનનીની જોડ સખી નહી જડે રે લોકોની વ્હાલપ ભરી પંક્તિઓને લજવી હતી.બનાવ અંગે બી’ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાંજરાપોળ પુલના ખૂણા પાસે કચરો વીણતા યુવાનને પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો.
દરમ્યાન જાગૃત નાગરિક દ્વારા ઘટના અંગેની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને કરાતા તેઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને નવજાત શિશુના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલનાં તબીબ દ્વારા કચરાના ઢગલા માંથી મળેલ શિશુનો મૃતદેહ આશરે સાત માસના બાળકનો ગર્ભ હોવાનું જણાવાયું હતું. બનાવ અંગેબી.ડીવિઝન પોલીસે તપાસ હાથ ધરી ક્રુર અને દયાવિહીન માતાની શોધખોળ શરૂ છે.

