Bangladesh,તા.16
બાંગ્લાદેશમાં ચૂંટણીની જાહેરાત થઈ તેના બીજા જ દિવસે શુક્રવારે ઇન્કીલાબ મંચના નેતા ઓસ્માન હાદી ઉપર ગોળીબાર કરનાર ત્રણે આતંકીઓ ભારતમાં ઘૂસી ગયા હોવાનો દાવો કરતાં યુનુસના નેતૃત્વ નીચેની સરકારે તે ત્રણ આતંકીઓને સોંપવા ભારતને અનુરોધ કર્યો હતો. પરંતુ ભારતે તેનો સ્પષ્ટ અસ્વીકાર કરતાં કહ્યું હતું કે તેઓ ભારતમાં આવ્યા જ નથી. બીજી તરફ ઢાકા મેટ્રોપોલિટીન પોલીસે રવિવારે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ હુમલાખોરો ભારતમાં નાસી છૂટી શક્યા હોય તેવા કોઈ પુરાવા જ પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ચૂંટણી અંગેની જાહેરાત થઈ તે દિવસથી જ દેશમાં રાજકીય વમળો શરૂ થઈ ગયાં છે તેમાં ભારત વિરોધી ઇન્કીલાબ મંચના નેતા ઉસ્માન હાદી પર થયેલા ગોળીબારે પરિસ્થિતિ અત્યંત કલુષિત કરી નાખી છે.
બાંગ્લાદેશમાં બનતી કોઈ પણ દુર્ઘટના માટે ભારત ઉપર આક્ષેપો કરવાનું મોહમ્મદ યુનુસ સરકારને વ્યસન થઈ ગયું છે. વાસ્તવમાં ભારત પ્રત્યે વારંવાર આંગળી ચીંધી, તે તેના જ દેશમાં લઘુમતિઓ ઉપર થતા હિંસક અત્યાચારોથી દુનિયાનું ધ્યાન બીજે દોરવા સતત કાર્યરત છે. પરંતુ તે હુમલાખોરો ભારતમાં ઘૂસી ગયા છે તેવા કોઈ પુરાવા નથી. તેમ તેની પોલીસે જ કહેતાં યુનુસના દાવાઓનો ભાંડો ફૂટી ગયો છે.બાંગ્લાદેશની ઢાકા સ્થિત ટીવી ચેનલ જગો-ન્યૂઝ.૨૪ દ્વારા જ ઢાકા મેટ્રોપોલિટન પોલીસનાં આ વિધાનો ટીવી પર જણાવ્યાં હતાં.તે સર્વવિદિત છે કે ઓસ્માન હાદી અત્યારે સિંગાપુરમાં સઘન સારવાર નીચે છે.

