Babra, તા.2
બાબરાથી અમરેલી તરફ ભારે વાહનવ્યવહાર રહે છે. હાલનો નેશનલ હાઇવે નં. 351 સાંકડો અને અપૂરતો હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. ટૂંકા અને અયોગ્ય માર્ગોના કારણે સમયની બરબાદી થાય છે, વિકાસમાં અવરોધ આવે છે તેમજ અવારનવાર ગંભીર અકસ્માતોમાં જાન-માલની મોટી નુકસાની થતી રહે છે.
આ માર્ગ પર આવેલ એકમાત્ર રેલ્વે ક્રોસિંગ પણ ટ્રાફિક સમસ્યાને વધુ વિકટ બનાવે છે. પરિણામે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ સામાન્ય નાગરિકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણે જણાવ્યું હતું કે અમરેલી શહેર તેમજ જિલ્લાનાં 10 મુખ્ય શહેરો સુધી પહોંચવા માટે ક્યાંય ફોર ટ્રેક માર્ગ ઉપલબ્ધ નથી. જો બાબરાથી અમરેલી સુધી નેશનલ હાઇવે નં. 351ને ફોર ટ્રેક બનાવવામાં આવે તથા અમરેલીને અન્ય જિલ્લાઓ સાથે ફોર ટ્રેક માર્ગોથી જોડવામાં આવે તો ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
રોજગારીની તકો વધશે, ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે અને અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને લેખીત રજુઆત કરી છે.

