New Delh,તા.૭
ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયાએ છત્રપતિ શિવાજી મહારાજ સંબંધિત વાંધાજનક અને અપ્રમાણિત સામગ્રી માટે જાહેરમાં માફી માંગી છે. આ સામગ્રી ૨૦૦૩ માં પ્રકાશિત જેમ્સ લેનના પુસ્તક “શિવાજીઃ હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા” માં શામેલ હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે બોમ્બે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે એક જાહેર નોટિસ જારી કરીને સ્વીકાર્યું કે પુસ્તકના કેટલાક પાના પર કરવામાં આવેલા દાવા પાછળથી ચકાસણીની કસોટી પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા. પ્રેસે જણાવ્યું હતું કે તે આ નિવેદનો પ્રકાશિત કરવા બદલ દિલગીર છે અને જેમની લાગણીઓને ઠેસ પહોંચી છે તેમની માફી માંગે છે.
આ માફી છત્રપતિ શિવાજી મહારાજના ૧૩મા વંશજ ઉદયનરાજે ભોસલે તેમજ સામાન્ય જનતાને આપવામાં આવે છે. નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પુસ્તકના પાના ૩૧, ૩૩, ૩૪ અને ૯૩ પરની કેટલીક સામગ્રી ચકાસણીપાત્ર ન હોવાનું જાણવા મળ્યું છે.
૨૦૦૪માં સંભાજી બ્રિગેડના કાર્યકરોએ પુણેમાં ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તોડફોડ કરી ત્યારે આ પુસ્તકને લગતો વિવાદ વધુ તીવ્ર બન્યો. વિરોધીઓએ આરોપ લગાવ્યો કે સંસ્થાએ લેખકના સંશોધનને સમર્થન આપ્યું હતું અને પુસ્તકમાં શિવાજી મહારાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ હતી.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે પોતાની નોટિસમાં પુનરોચ્ચાર કર્યો કે ઐતિહાસિક વ્યક્તિઓને લગતા તથ્યો રજૂ કરતી વખતે ચોકસાઈ અને સંવેદનશીલતા જરૂરી છે. પ્રેસે આ બાબતમાં થયેલી ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી અને ભવિષ્યમાં વધુ સાવધાની રાખવાનું વચન આપ્યું.

