Surendranagar ,તા.૮
સુરેન્દ્રનગરના થાન વાગડીયા રોડ પર ગત મોડી રાત્રે (૭ મે)ના રોજ ખનીજ માફિયાઓના કારણે એક યુવક મોતને ભેટ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. થાન વાગડીયા રોડ પર ખનીજ માફિયા દ્વારા ગેરકાદેસર ખોદવામાં આવેલી ખાણમાં બપોરે ૧ વાગ્યાના અરસામાં અજય રાઠોડ નામનો યુવક નાહવા પડ્યો હતો અને જોતજોતામાં ૧૨ ફૂટ કાદવમાં ગરકાવ થઈ ગયો હતો.
ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવેલી ખાણમાં પાણી ભરાયેલું હતું, જેમાં નાહવા પડતાં યુવક ડૂબવા લાગ્યો હતો અને ૧૨ ફૂટ કાદવમાં ખૂંપી ગયો હતો. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ થાન પાલિકામાં ફાયરની ટીમ કે તરવૈયા ન હોવાથી સુરેન્દ્રનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. જે બાદ સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
મૃતક અજય રાઠોડના પિતા હિતેષભાઇ રાઠોડ જણાવ્યું હતું કે, ૧ વાગ્યાનો મારો છોકરો ખાણમાં પડી ગયો હતો અને ૫-૬ કલાક થવા છતાં મારા છોકરાને કોઈ કાઢવા વાળું આવ્યું નથી. સવારનો તડકાનો હું ૬ કલાકથી બેઠો છું પણ કોઈ પ્રશાસન વાળા આવ્યા નથી. બે-ત્રણ પોલીસ વાળા આવ્યા હતા એ પુછીને જતા રહ્યાં અને અહીંયા કોઈ તરવૈયા નથી તેવો અમને જવાબ આપ્યો.
સુરેન્દ્રનગર ફાયરની ટીમ દ્વારા ૪ કલાકની શોધખોળ બાદ મોડી રાત્રે મૃતક અજય રાઠોડની લાશને બહાર કાઢવામાં આવી હતી. થાન પાલિકામાં ફાયરની ટીમ તેમજ તરવૈયાનો અભાવ હોવાના કારણે બચાવ કામગીરી મોડી થઈ હોવાના અને યુવક મોતને ભેટ્યો હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યાં છે.

